'ભદ્રંભદ્ર' હાસ્યપ્રધાન ગુજરાતી નવલકથા-રમણભાઇ નીલકંઠ.
‘ભદ્રંભદ્ર’ શ્રી રમણભાઇ નીલકંઠની ઇ.સ.1900માં પ્રસિધ્ધ થયેલી ગુજરાતીની
ઉત્તમોત્તમ હાસ્યપ્રધાન નવલકથા.. પ્રો.રમેશ સાગઠિયા. અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પ્રથમ સુધારક કે
નર્મદયુગ, બીજો તે સાક્ષર કે પંડિત કે ગોવર્ધનરામ યુગ અને ત્રીજો તે ગાંધીયુગ અને
ચોથો યુગ તે અનુગાંધી યુગ ગણાય છે, યુગનાં નામ પ્રમાણેનાં એનાં પોતીકા સાહિત્યિક
લક્ષણો પણ જોઇ શકાય.
શ્રી રમણભાઇ નીકલંઠ એ પ્રસ્તુત ‘ભદ્રંભદ્ર’ એ ઇ.સ.1900માં પ્રસિધ્ધ કરેલી સળંગ હાસ્યપ્રધાન અને
સ્ત્રીપાત્ર વિનાની શકવર્તી રચના છે. રમણભાઇ સુધારકવૃત્તિનાં અને વિચારધારાનાં
સર્જક રહ્યા છે. આ નવલ ‘જ્ઞાનસુધા’માં હપ્તાવાર પ્રગટ થયેલી, તે સમયનાં થોડાંક
અગ્રણીઓને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અને નામ બદલાવીને આ નવલ લખાયેલી છે. એનાં ઉપહાસ,
ઠઠ્ઠામશ્કરી-હાસ્ય-કટાક્ષ અને એની સાથોસાથ પોતાની વાત-વિચારને, બહુધા અણગમતો કે
અવહેલના પામેલા સાહિત્યિક એવા હાસ્યરસને એમણે પ્રધાનરસ બનાવ્યો છે. ગુજરાતી
હાસ્યસાહિત્યની વાત થાય, ત્યારે આ કૃતિને યાદ કરવી જ રહી.
નવલકથાનું મુખ્ય પાત્ર ભદ્રંભદ્ર-(અંબારામ)ને ગણાવીને, લખાયેલી રચના બને
છે. જે વેદિયો, દંભી, પાખંડી, જડતાવાદી, પરંપરાવાદી અને સાવ અક્કલમઠાનો
પર્યાય-પ્રતીક છે, દુનિયા આખી ભલે સુધરી જાય, પણ મારે સુધરવું જ નથી, એવી એમણે
જાણે કે, પરંપરા કે સંસ્કૃતિવાદીતાનાં પક્ષધર તરીકેની એમણે પ્રતિજ્ઞા લીધી છે. હું
અને અમે જ સર્વશ્રેષ્ઠ, બીજા બધા મુર્ખ, એવું એ એકતરફી જ વિચારે છે, વિદેશી
સંસ્કૃતિ, ભાષા અને સમાજનાં પ્રભાવથી પોતાની સંસ્કૃતિ ભયમાં છે-એવું એ માને
છે એટલે કે એ ધર્માંધ સનાતની છે, મુંબઇમાં
ભરાયેલી ધર્મરક્ષા સભામાં જોડાવા માટે, ત્યાં જવું છે ટ્રૈઇનમાં, પણ ટિકિટબારીથી
માંડીને ત્યાં મુંબઇ સુધીની મુસાફરી, અને ત્યાંથી ફરીથી ઘેર પહોંચતા એમને આ એક
તરફી ધર્માંધ સનાતની વાણી-વર્તન-વ્યવહાર-વલણથી ડગલેને પગલે અપમાનિત થવું પડે છે,
હાંસી પાત્ર બનવું પડે છે, માર ખાવી પડે છે, જેલમાં જવું પડે છે, દંભી, બુધ્ધિ
વિનાનો અને ઢૉગી એનો ચહેરો આ બધુ સહન કરવા તૈયાર છે, પણ બદલવા કે સુધરવા માંગતો
નથી-એવા માણસનાં પ્રતીક તરીકે ભદ્રંભદ્ર છે. હાસ્યરસની હારમાળા રચીને રમણભાઇએ
સનાતનીઓ ઉપર કે પરંપરાવાદીઓ કે સંસ્કૃતિનાં એક તરફી અર્ધગાંડપણનાં પર્યાય સમાન
ભદ્રંભદ્રને માધ્યમ બનાવીને એક સફળ અને સબળ હાસ્યપ્રધાન નવલકથા બનાવે છે.
અમદાવાદની ટિકિટબારીએ પારસીથી માંડીને માધવબાગની સભા, તંદ્રાચંદ્રનો વરઘોડોનાં
જેવા અનેક પ્રસંગોના માધ્યમથી કહેવાયેલી છે. અંબારામની વાસી-ગંદી-સ્વાર્થી-એક
તરફી-ઢોંગી-પાખંડી જેવા અંદરના અસલી ચહેરાને ખુલ્લો કરી દે છે રમણભાઇ નીલકંઠ. ઘણાં
લોકોને આ નવલકથા ન ગમે- એના કારણો એની વિષયસામગ્રી કરતાં એનાં સુધરવાનાં સંદેશાનો
સૂર હોઇ શકે, અને કલાત્મકતાની જો વાત હોય તેઓ પણ જીવન ખાતર કલા તરીકે જોતાં એ
સમાજની એ દંભી-પાખંડી-પૂર્વગ્રહિત ગંદા અભિગમની વાત બને છે, ક્યાં સુધી બીજા પાસે
જ સુધરવાની અપેક્ષા રાખીશું, અંતે તો હિસાબ આપતી વખતે જાત સાથેનો હિસાબ પણ થવો જ
જોઇએ. અહીંયા, બીજા તરફ ઇશારા કરીને આંગળી ચિંધવા જતા પોતા તરફની જવાબદારીને પણ
સ્વીકારવી રહી, સહજીવન અને સમજીવનનાં સનાતન સૂત્રને ભૂલી જઇને આપણે
વર્ગ-વર્ણ-જાતિ-જ્ઞાતિની સંકિર્ણ માનસિકતાનાં સનાતન શિકાર બન્યા છીએ. વિચારધારા બે
પ્રકારની હોય છે, ઉદારવાદી અને ઉગ્રવાદી. કટ્ટરવાદી અને કરુણાવાદી. સ્વ-સન્માન અને
સર્વ-સન્માન, એક સિક્કાની બે બાજુ જેવા. રમણભાઇની સોચ ઉદારવાદી બનવા તરફની છે.
ઇશારો અને ઇરાદો સ્પષ્ટ છે, પણ આજેય ઇ.સ.2016માં જ્ઞાતિનું ઝેર આપણે સહેજેય ઓછું
કરી શક્યા નથી, સુધારો ઘરથી જ શરુ કરવો જોઇએ. તેથી, જ આ નવલકથાને ‘સુધારાનું બાઇબલ’ પણ કહેવાયું છે. કલાની નજરે શક્ય છે કે ઘણી નબળાઇઓ
હશે, પણ આપણા એકવીસમી સદીનાં સમાજ આંતરિક ચહેરો તો ભેદભાવથી જ ભરેલો છે.
પૂર્વગ્રહયુક્ત જ છે, સ્પષ્ટ અભિગમનો અભાવ આપણે કાયમી પીડતી માનસિકતાનો જાણે કે
સનાતની રોગ લાગુ પડ્યો છે. તેથી, સ્વસ્થ કે સ્વચ્છતાની આપણે ગમે એટલી આજેય વાતો
ભલે કરીએ, પણ માનવીય મૂલ્યોની બાબતમાં વાણીનાં શૂરવીર બનીએ, પણ એનાં સદ કે સમ
વ્યવહારમાં જાણે કે વાંઝિયા પૂરવાર થઇએ છીએ. આપણું જડતાવાદી માનસ કેટકેટલાનો ભોગ
લેશે ? માનસિક રીતે અસ્પૃશ્યતાનાં આજનાં ભારતમાં ભદ્રંભદ્ર એ રીતે આજેય એટલું જ
પ્રસ્તુત છે. તથાગત બુધ્ધે આઠ માર્ગ ચિંધી આપીને એમાં ‘સમ’ અને ‘મધ્યમ’નો મહિમા
ગાયો છે, પણ એના ઉપરથી આપણે એ શબ્દનાં ‘બુધ્ધુ’ એવા પતન તરફનાં અર્થ તરફ કેમ ગયા?, ગોરખનાથજીએ તો ભજનમાં ‘જાગતા નરને સેવિએ...’ એમ કહ્યું છે, પણ એ ગોરખનાથજીનાં જીવનમાં
કયાંય કલંક નથી, પણ એને ખરાબ ચિતરવા ‘ગોરખધંધા’ શબ્દ કોને માટે આપણે વાપરીએ છીએ? સદપુરુષને
સ્વીકારવામાં આપણે સંકિર્ણ છીએ. રસકલા, શૈલી, કલાદષ્ટિ કે એવા અન્ય કોઇપણ ઓજાર કે
માધ્યમોથી કૃતિને જોવી-જાણવી, એમ એનમાં ઉદ્દેશ, સંદેશ કે સારને પણ સમજીને મહત્વ
આપવું જ રહ્યું.
કહેવાય છે કે, પ્રસ્તુત નવલકથા સર્વાંતીસનાં ‘ડોન કિહોટ’ અને ચાર્લ્સ ડિકસની ‘પિકવિક પેપર્સ’નાં પ્રભાવ તળે રચાયેલી છે, છતાંયે, આટઆટલાં વર્ષો પછી
પણ સમાજનો ચહેરો ભદ્રંભદ્રમાંથી જાણે કે કાંઇ જ શીખ્યો નથી. ત્યારે પુન: ધર્મ,
સમાજ. સંસ્કૃતિ, સંસ્કાર, સંવેદના અને સમજણ જેવા મુદ્દાઓ વિશે ખુલ્લા મનથી જોતા
શીખવું પડશે. ઇજારાશાહીમાંથી મુક્ત બનીને, ‘ચાલો, અભિગમ બદલીએ’ શક્યત: તો જ ભારત અખંડ અને અનન્ય બની રહેશે. આ રીતે,
આ રચના આજેય એટલી જ પ્રસ્તુત લાગે છે, શ્રી રમણભાઇની મૌલિકતા, આગવો અભિગમ, ખુલ્લા
મનની ખાનદાની અને ‘સાહિત્ય
એ સમાજનું દર્પણ’ છે તો
સાથોસાથ એમણે ‘દીપકધર્મ’ બજાવવો જોઇએ, એ રીતે પણ હાસ્યરસનાં અને
સાહિત્યકલાના માધ્યમથી પ્રસ્તુત કરે છે, સાહિત્યકૃતિનાં છ પ્રયોજનમાં અલૌકિક
આનંદને એક તરફ મૂકીને, સર્જકની યશપ્રાપ્તિ, વ્યવહારનું જ્ઞાન, અનિષ્ટનું નિવારણ
અને કાંતાસંમિત ઉપદેશને ચર્તુ-પુરુષાર્થને પ્રાધાન્ય આપીને, કૃતિનાં રસ અને
પ્રયોજનને પામી શકાય.
Comments
Post a Comment