‘યાદગાર કાવ્યો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન
મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘યાદગાર કાવ્યો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો.
ભૂમિકા
: મહેન્દ્ર મેઘાણીએ અનેક શ્રેષ્ઠ ગુજરાતી
ગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું છે, એમની આ વૃત્તિ અને પ્રવૃત્તિ સાથેની સ્વકિય
સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. ગુજરાતી સાહિત્યનું સુંદર, સરસ અને શ્રેષ્ઠ સર્જન
ગુજરાતી સમાજ કે વિશ્વ સમક્ષ મૂકી આપવાનું છે. શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીની
સંકલનકર્તા કે સંપાદનકાર્ય એ એમની આગવી ઓળખ બની ચૂકી છે, ત્યારે પ્રસ્તુત પુસ્તક ‘યાદગાર કાવ્યો’ એ હાલ ભક્તકવિ
નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢનાં
અભ્યાસક્રમમાં પસંદગી પામેલ છે, આમ, તો આ કાવ્યસંગ્રહમાં કુલ એકસો એક
કાવ્યો સંગ્રહિત થયેલા છે, પરંતુ, આપણા અભ્યાસક્રમમાં એમાંથી પસંદ કરાયેલ પચ્ચીસ
કાવ્યો છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે, તો, આપણે એને ધ્યાને લઇને જ એ કાવ્યોનું
સમગ્રલક્ષી મૂલ્યાંકન કરીએ.
કાવ્યોમાંના
વિષય સંદર્ભે : સ્વાભાવિક રીતે
કોઇપણ કાવ્યનાં વિષયસંદર્ભે જો ચર્ચા કરીએ તો,પ્રણય, પ્રકૃતિ, પ્રભુપ્રેમ અને
સામાજિક-સાંપ્રત વિષય પ્રધાનત: જોવા મળતા હોય છે, અહીંયા આપણા અભ્યાસક્રમનાં
પચ્ચીસ કાવ્યોમાં તપાસ કરીએ તો, એમાં પણ આ ચાર વિષય જ જોવા મળે છે, ‘આ ડાળ ડાળ જાણે કે
રસ્તા વસંતના’,
‘આજ,
મહાજન ! જલ પર ઉદય જોઇને’,
‘ચૈતરે
ચંપો મહોરિયો, ને મ્હોરી આંબા ડાળ’,
‘પુષ્પ
તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?’, ‘શહેરોમાં રહે છે,
જંગલોમાં જાય છે રસ્તો’,
‘સમુદ્ર
ભણી ઉપડ્યા કમરને કસી રંગથી..’
વગેરે જેવા કાવ્ય પ્રથમ નજરે જ પ્રકૃતિનાં વિષયનાં સ્પર્શે છે, ઘણાં કાવ્યો
પ્રકૃતિની પડછે પ્રણયનાં વિષયને લાવે છે. દા.ત. ‘પાંદ લીલું જોયું ને
તમે યાદ આવ્યા..’,
‘સમી
સાંજનો ઢોલ ઢબૂકતો...’,
‘ધીરે
ધીરે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે..’,
‘શોધતો
હતો ફૂલ, ને ફોરમ શોધતી હતી મને..’,
બેઠી ખાટે ફરી વળી બધે..’,
મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં...’,
‘જ્યાં
જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની..’, ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે
હળ્યાં..’,
‘આ
નભ ઝૂક્યું તે કાનજીને’,
‘આ
મોજ ચલી જે દરિયાની..’,
‘ઉંબરે
ઉભી સાંભળું રે બોલ વાલમનાં..’
આ અને આ પ્રકારનાં કાવ્યોમાં ઓછા-વત્તા પ્રમાણમાં પ્રણય વિષય બનીને આવે છે, જ્યારે
એકાદ બે કાવ્યોને અપવાદ રુપે પ્રભુપ્રેમનાં કાવ્યો કહી શકાય, તો, વતનપ્રેમનો
ઝૂરાપો કે વનપ્રિતીની ગઝલ ‘નદીની
રેતમાં રમતું નગર ...’
એ થોડા જુદા વિષયને લાવે છે. અલબત, અહીંના આપણા આભ્યાસક્રમનાં પચ્ચીસ કાવ્યોમાં આમ
જુદા જુદા વિષયનાં કાવ્યો આપણને મળે છે. એમ કહી શકાય..
‘યાદગાર
કાવ્યો’માં
ભાવ વૈવિધ્ય : આ કાવ્યસંગ્રહનાં સંપાદનમાં
મહેન્દ્ર મેઘાણીએ અહીંયા એમની પસંદગીનાં એકસો કાવ્યો મૂક્યા છે. ગુજરાતીનાં જાણીતા
કવિઓની કોઇ એક જાણીતી, લોકપ્રિય અથવા લોકભોગ્ય રચનાનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો
છે. આપણા અભ્યાસક્રમમાં એમાંથી પચ્ચીસ કાવ્યોનો અભ્યાસ કરવાનો છે, તેથી આપણે એને જ
ધ્યાને લઇને એનાં ભાવવૈવિધ્યની થોડીક ચર્ચા કરીએ, આમ તો સરળ રીતે કહીએ તો ભાવ એટલે
એનો રસ, પણ રસનાં પેટાપ્રકારને પણ આપણે ધ્યાને લેવા પડી, હર્ષ-શોક, મિલન-વિયોગ,
સુખ-દુ:ખ, મંગળ-અમંગળ, કરુણ-પ્રસન્નતા, આનંદ-વિષાદ આ અને આવા જુદા જુદા ભાવો અહીના
કાવ્યોમાં જોવા મળે છે, જેમ કે, રસ્તાની સાથે એની સપાટ, ઉંચી-નીચી, પહોળી-સાંકળી,
ચઢાણ-ઉતરાણ, બાજુમાં ઝાડ-ઝાંપરી, ઘાસ, લીલોતરી, એમ રસ્તાનાં અનેક સંદર્ભને કવિ
ખુલ્લા કરી આપે છે, તો પાંદ લીલુ જોયું..દ્વારા મિલન-વિયોગનો ભાવ, ઉંબરે ઉભી
સાંભળું.. દ્વારાં ઉત્સુકતા અને મિલનાતુર ભાવને, મારી આંખે કંકુનાં સૂરજ..દ્વારા
કંકુનાં સૂરજનો મંગલ ભાવ આથવાનાં સંદર્ભમાં મૂકીને અમંગલ કે ક્ષયથી રિબાતા રાવજી
પટેલની આંતરવ્યથાને ઠાલવે છે, તો હસતાં પુષ્પનો સંદર્ભ ‘કોણ’માં આપીને કવિ
સુંદરમ પ્રભુની પ્રકૃતિલીલાનું ભાવગાન કરે છે, આપની યાદી દ્વારા કલાપીની
પ્રણયઝંખના અને ખુરાપાની ભાવોપસ્થિતિને દર્શાવે છે, ગુજારે જે શિરે તારે દ્વારાં
કોઇપણ સ્થિતિ-પરિસ્થિતિમાં ઇશ્વર કૃપા ગણી સ્વીકારવાની વાત, રસ્તા વસંતનાં-મનોજ
ખંડેરિયા પ્રકૃતિની રમણિયતાનો મહિમા કરે છે, તો રમેશ પારેખ ‘ધીરે ધીરે ઢાળ..’માં સોનલને યાદ
કરીને સ્નેહસ્મરણાંજલિનો ભાવ આલેખે, અનિલ જોશી કન્યાવિદાયમાં ઢોલ અને કેસરિયાળો
સાફો, દીવડો થરથર કંપે-દ્વારાં દીકરીની સાસરવાસની ગાઢ-ગૂઢ અને ઘેરી ચિંતા કરતી
ભાવસ્થિતિને નિરુપે છે, તો સાગર અને શશીમાં સાગર અને ચંદ્રની સાક્ષીમાં ભાવની
ભરતીની વાત છે, જૂનુ પિયર ઘર અને વિરહિણી કાવ્યમાં વ્યથા-વિષાદ-વિરહનો ભાવ જોઇ
શકાય છે, તમે યાદ આવ્યા, બોલ વાલમનાં, ખોટ વર્તાયા કરે, મરણ, કૃશ્ણ-રાધાની
સહ-ઉપસ્થિતિનાં ભાવનું સુંદર અને રસિક નિરુપણ મોહક બન્યું છે. આમ, સમગ્ર રીતે જોઇએ
તો, ‘યાદગાર
કાવ્યો’માં
ભાવવિવિધતા જોવા મળે છે. જે આ કાવ્યોને ખરેખર યાદગાર બનાવે છે.
’યાદગાર
કાવ્યો’માં
સ્વરુપ વૈવિધ્ય : મહેન્દ્ર મેઘાણી
સંપાદિત ‘યાદગાર
કાવ્યો’માં
મુખ્યત્વે ત્રણ પ્રકારનાં કાવ્ય સ્વરુપો જોવા મળે છે. એમાં ગીતકાવ્યો છે, ગઝલ
રચનાઓ છે અને સોનેટ પણ છે. આ કાવ્યસંગ્રહમાં કુલ એક સો કાવ્યોનું સંપાદન છે,
જેમાંથી આપણા અભ્યાસક્રમમાં પચ્ચીસ કાવ્યોને પસંદ કરવામાં આવ્યા છે,
જેમાં ‘ઉંબરે ઉભી સાંભળું
રે બોલ વાલમનાં...’,
પાંદ લીલું જોયું ને તમે યાદ આવ્યાં..’,
‘ચૈતરે
ચંપો મ્હોરિયો, ને મ્હોરી આંબાડાળ...’,
‘સમી
સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઉઘલતી મ્હાલે, કેસરીયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે...’, ‘આ નભ ઝૂક્યું તે
કાનજીને, ...’
‘દેખ્યાનો
દેશ ભલે લઇ લીધો, નાથ..’,
‘ધારો
કે એક સાંજ આપણે મળ્યાં, અને આપણે હળ્યાં..’, ‘ધીમે ધીમે ઢાળ ઉતરતી
ટેકરીઓની સાખે..’,
મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં...’,
‘શોધતો
હતો ફૂલ, ને ફોરમ શોધતી હતી મને..’
વગેરે જેવા કાવ્યો એ ગીતપ્રકારની રચનાઓ છે,
જ્યારે; ‘આ ડાળ ડાળ જાણે
રસ્તા વસંતનાં..’,
‘આ
મોજ ચલી જે દરિયાની..’,
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે..’, ‘જો અડગ રહેવાનો
નિશ્ચય ધરતીના જાયા કરે...’,
‘જ્યાં
જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની..’, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે..’, ‘શહેરોમાં રહે છે,
જંગલમાં જાય છે રસ્તો..’
વગેરે જેવા કાવ્યો ગઝલ પ્રકારની રચનાઓ છે.
તો વળી, ’સમુદ્ર ભણી ઉપડ્યાં
કમરને કસી રંગથી..’,
‘મને
ન મરવું ગમે, છૂટક ટૂંક હફતા વડે..’,
‘બેઠી
ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં..’,
‘આજ,
મહારાજ ! જલ પર ઉદય જોઇને...’,
‘આ
તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું..’
એ સોનેટ પ્રકારની રચનાઓ છે. આમ, સમગ્ર રીતે જોઇએ તો, ‘યાદગાર કાવ્યો’માં ગીત, ગઝલ અને
સોનેટ પ્રકારની રચનાઓ જોવા મળે છે.
‘યાદગાર
કાવ્યો’માં
ભાષાશૈલી : આ કાવ્યસંગ્રહમાં
શીર્ષક મુજબ યાદગાર ગીત કાવ્યો છે. ગઝલ અને ગીત પ્રકારનાં કાવ્યો છે. ભાષા એ કોઇપણ
કવિનું શસ્ત્ર કે હથિયાર છે. શબ્દ અને અર્થ દ્વારાં કલાત્મક રજૂઆત કાવ્યને વિશિષ્ટ
કે લાક્ષણિક બનાવે છે. આપણા અભ્યાસક્રમનાં કાવ્યોની શબ્દપસંદગી કાવ્યને અનુરુપ જોઇ
શકાય છે. જેવો વિષય કે જેવો ભાવ એને અનુરુપ શબ્દપસંદગી જોવા મળે છે.
સંસ્કૃત-હિન્દી-ઉર્દૂ-અરબી-ફારસી-મરાઠી-બંગાળી-શિષ્ટ ગુજરાતી- અંગ્રેજી અને ક્યાંક
ક્યાંક લોકબોલીનાં કે તળપદા કે ગ્રામ્ય શબ્દપ્રયોગ પણ જોવા મળે છે. કેટલીક
લોકપ્રિય રચનાઓનાં મુખડાઓ કે ધુવપંક્તિઓ યાદગાર છે. તરત જ યાદ રહી જાય એવી છે. એ
કવિની કમાલ કે કૌવત કહી શકાય. દરેક કવિઓની કવિતાઓ એની આગવી કલાત્મકતાથી ઓપે છે.
એનું મુખ્ય કારણ એની ભાવને અનુરુપ ભાષા યા શબ્દ પસંદગી છે. ગેય કાવ્યોમાં લય અને લાલિત્ય
તેમ જ લાઘવ અને લાગણીઓનું આગવું અભિવ્યક્તિ જગતને સુંદર અને સફળ બનાવે છે.
(1) ઉંબરે ઉભી સાંભળું રે બોલ
વ્હાલમનાં...
(2) સમી સાંજનો ઢોલ ઢબૂકતો...
(3) જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી
ત્યાં આપની..
(4) આ ડાળ ડાળ જાને કે રસ્તા વસંતનાં..
(5) પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં..
(6) નદીની રેતમાં રમતું નગર મળે ન મળે..
(7) મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં..
આ અને આવા તો અનેક ઉદાહરણ સાથે આપણે કહી
શકીએ કે આ કવિતાઓની ભાષાકલા બાબતે જે-તે કવિઓની સિધ્ધિ કે સફળતા ગણી-ગણાવી શકાય.
’યાદગાર
કાવ્યો’માં
કલાત્મકતા : આ
કાવ્યસંગ્રહમાં આપણા અભ્યાસક્રમમાં જે પચ્ચીસ કાવ્યોને પસંદ કરવામાં આવ્યાં છે
એમાં ગીતકાવ્યો-ગઝલકાવ્યો-સોનેટકાવ્યો છે. આ દરેક કાવ્ય સ્વરુપને પોતાની આગવી ઓળખ
છે. આગવી લાક્ષણિકતાઓ છે. આગવી રજૂઆત સાથે પોતાનો આગવો કલાપક્ષ પણ છે.
વિષય-ભાવ-સામાજિક સંદેશ વગેરેની સાથોસાથ આ કાવ્યોમાં દરેક કાવ્યની આગવી
શબ્દપસંદગી-છંદ-અલંકાર-ઉપાડ-મધ્ય અને અંત અથવા તો રચનારીતિ જોવા મળે છે. આ
કાવ્યોની બાંધણી અથવા પ્રાસરચના કે લયતત્વથી માંડીને વિચાર કે ભાવને રજૂ કરવાની
આગવી કલા જોઇ શકાય છે. આપણને ખબર છે કે દરેક કાવ્ય સ્વરુપને પોતાની આગવી તાસિર હોય
છે. પ્રકૃતિ હોય છે. જેવો વિષય-ભાવ-સ્વરુપ એવું એનું કલાતત્વ આ કાવ્યોમાં જોઇ શકાય
છે. કહી શકાય કે થોડીક રચનાઓને બાદ કરીએ તો મોટાભાગની રચનાઓમાં એનો કલાપક્ષ કે
કાવ્યતત્વની સફળતા જે-તે કવિની સિધ્ધિ યા લાક્ષણિકતા બને છે. આ સંગ્રહનાં અનેક
કાવ્યો ખૂબ લોકપ્રિય પણ બન્યાં છે. એ રીતે આ સંપાદનનાં અને આપણા અભ્યાસક્રમનાં
કાવ્યો કલાત્મકતાની લોકભોગ્યતા અને લોકપ્રિયતા અથવા કલાત્મકતા અને કલાસૌંદર્યની
નજરે સફળ રહ્યાં એમ આપણે કહી શકીએ.
’યાદગાર
કાવ્યો’માં
વિશેષતા : આ કાવ્યસંગ્રહની અનેક વિશેષતાઓ
નીચે મુજબ ગણી-ગણાવી શકાય.
(1) ગીતકાવ્યોની લોકભોગ્યતા અને
લોકપ્રિયતા આ સંગ્રહની મહત્વની વિશેષતા છે.
(2) આ સંગ્રહની સોનેટ રચનાઓ નખશિખ સુંદર
અને સફળ રહી છે.
(3) આ સંગ્રહની ગઝલ રચનાઓમાં એની
કલાત્મકતા સુંદર અને સફળ રહી છે.
(4) ભાવ અને ભાષાની નજરે અભ્યાસક્રમની
રચનાઓ સિધ્ધિવંત રહી છે.
(5) ભાવપક્ષ અને કલાપક્ષની નજરે આપણા
અભ્યાસક્રમની રચનાઓ વિશિષ્ટ અને વિત્તવાન રહી છે.
આ અને આવી તો અનેક લાક્ષણિકતાઓ આ
કાવ્યોની મહત્વની ગણી શકાય. લયતત્વ-છંદ-અલંકાર- શબ્દપસંદગી-ભાવાનુરુપ ભાષા-રસકલા
અને સ્વરુપક્રિય અથવા શીર્ષકથી માંડીને સમાજ સંદર્ભની નજરે પણ આ કાવ્યો રસાત્મક
રહ્યાં છે. જે આ કાવ્યસંગ્રહની મહત્વની મૂડી કહી શકાય.
’યાદગાર
કાવ્યો’નું
સમગ્રતયા મૂલ્યાંકન : શ્રી મહેન્દ્ર
મેઘાણી સંપાદિત ‘યાદગાર
કાવ્યો’નું
આપણે સમગ્રલક્ષી મૂલ્યાંકન કરીએ તો આપણે
અમુક કાવ્યોની ચિંતનકણિકાઓ યાદગાર બની રહે છે. જેમ કે..
(1) ‘નથી એક માનવી પાસે
બીજો માનવ હજી પહોંચ્યો;
‘અનિલ’, મેં
સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો’. (રતિલાલ અનિલ )
(2) ‘દેખી બૂરાઇ ના ડરું
હું, શી ફિકર છે પાપની ?,
ધોવા બૂરાઇને
બધે ગંગા વહે છે આપની !’
‘કિસ્મત કરાવે ભૂલ તે
ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ
જ યાદી આપની.’
(કલાપી)
(3) ‘ગુજારે જે
શિરે તારે જગતનો નાથ તે સહેજે;
ગણ્યું જે પ્યારું
પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.’
(બાલાશંકર કંથારિયા)
(4) સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે...
(અનિલ જોશી)
(5) મારી
આંખે કંકુના સૂરજ આથમ્યાં....
(રાવજી પટેલ)
(6) પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન
હાસ... (સુંદરમ)
(7) આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતનાં
ફૂલો એ બીજું કૈં નથી
પગલાં વસંતનાં. (મનોજ ખંડેરિયા)
આ રીતે પ્રસ્તુત કાવ્યસંગ્રહનું
શીર્ષક ખરેખર વખાણવા લાયક રહ્યું છે. કોઇપણ કાવ્યસંગ્રહનું શીર્ષક તો શાનદાર અને
યાદગાર હોવું જ જોઇએ એ જ રીતે એનો ભાવપક્ષ અને કલાપક્ષ પણ સબળ અને સહજ હોવા જોઇએ.
જે આ કાવ્યોમાં મળે છે. અદભૂતરસ-શાંતરસ-શૃંગારરસ-કરુણરસની બાબતે આ આસ્વાદ્ય રચનાઓ
બની છે. તો સાથોસાથ ગેયતા અને ઉર્મીશીલતા અથવા બાહ્યરચનાથી માંડીને આંતરરચનાની
નજરે આ કાવ્યો લાક્ષણિક કે વિશિષ્ટ કે સફળતાને વર્યા છે. કહી શકાય-આ એક સુંદર અને
સ-રસ કાવ્યસંગ્રહ છે.
સમાપન : મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘યાદગાર
કાવ્યો’નું
આપણે અધ્યયન કરવાનું છે. એક સફળ સંપાદક તરીકે મહેન્દ્ર મેઘાણી જાણીતા છે. સંપાદક
તરીકેની સૂઝ-બૂઝ એમનામાં જોઇ શકાય છે. અહીંયા આ પુસ્તકમાં કુલ – 86
જેટલાં કાવ્યોનું અહીંયા સંપાદન છે. મૂલ્યનિષ્ઠ અને વાચનરસને જગાડનાર અને જીવંત
રાખનાર આ કાવ્યોની આજ સુધીમાં લગભગ પાંચેક હજાર નકલ છપાઇ-વેંચાઇ ગયેલી છે. એ જ એની
સફળતા દર્શાવે છે. આ પુસ્તક કાવ્યરસ અને કાવ્યરુચિપૂર્ણ અથવા તો વાચનપ્રિતિ અને
વાચન રુચિ વિકસવવાનાં ઉમદા ઉદ્દેશનું આ સુ-ફળ છે. કુલ 86 કાવ્યોમાંથી આપણા
અભ્યાસક્રમમાં પચ્ચીસ કાવ્યોને જ પસંદ કરવામાં આવ્યાં છે. એ રીતે આપણે એ કાવ્યોને
નજર સામે રાખીને આ મૂલ્યાંકન કર્યું છે. અર્થાત એનાં ભાવપક્ષ અને કલાપક્ષની નજરે આ
ઉત્તમ અને ઉત્તરદાયીત્વ સાથેની સબળ અને સફળ રચનાઓ છે. એમ આપણે કહી શકીએ.
Comments
Post a Comment