‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન



નરસિંહ મહેતાનાં પદોનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો.
ભૂમિકા = ગુજરાતી સાહિત્યનાં આદિકવિ તરીકે ખ્યાત નરસિંહ મહેતા રસકવિ. ભક્તકવિ, જ્ઞાનમાર્ગીકવિ અને શૃંગારરસની સાથોસાથ સિધ્ધરસનો કવિ છે. ઇ.સ.1414થી 1480નાં સમયખંડનાં આ કવિ વિશે અનંતરાય રાવળ કહે છે. :નરસિંહની કવિતામાં પંદરમાં શતકથી પ્રવહમાન થયેલી ભક્તિની ગુજરાતી કાવ્યગંગાની ગંગોત્રી છે. હાર, હૂંડી, મામેરુ, પિતાનું શ્રાધ્ધ અને શામળશાનો વિવાહ એ એમની પાંચ આત્મલક્ષી રચનાઓ છે, આ ઉપરાંત, બીજા અનેક પદો એમણે રચ્યાં છે. જો કે, અત્યાર સુધીમાં થયેલાં સંશોધન મુજબ નરસિંહનાં નામે ચડેલી ઘણી કવિતાઓ નરસિંહનાં નામે ચડાવી દેવામાં આવી છે, એવો પણ અનેક વિદ્વાનોનો મત છે. શ્રી નરોત્તમ પલાણ નરસિંહનાં જીવન અને કવનનાં ત્રણ વિભાગ કરીને, પંદર-સોળમી સદી, સતર અને અઢારમી સદી અને ઓગણીસથી વીસમી સદીમાં નરસિંહનાં જીવન-કવન વિશે ક્યાં, કેવું?, કેટલું, શા માટે ઉમેરણ થયું, એનાં વિશે વિગતે ચર્ચા કરી છે. અહીંયા આપણે આપણા અભ્યાસક્રમની પસંદગીની પદરચનાઓને જ ધ્યાને લઇને એમની સમગ્રલક્ષી સમીક્ષા કરીશું.
અભ્યાસક્રમમાં પસંદગીનાં કાવ્યો = ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં પ્રથમ વર્ષનાં સેમેસ્ટર-1નાં અભ્યાસક્રમમાં અનંતરાય રાવળનાં સંપાદિત નરસિંહ મહેતાનાં પદોની પસંદગી કરવામાં આવી છે, એમાં કુલ છ વિભાગ છે, આત્મવૃત્તનાં પદો, કૃષ્ણ-બાળલીલાનાં પદો, રાસ-લીલાનાં પદો, ગોપી-ભક્તિનાં પદો, ભક્તિબોધનાં પદો અને તત્વદર્શનનાં પદો એમ કુલ છ વિભાગનાં કાવ્યો જ આપણે ભણવાનાં છે. કૃષ્ણ-સુદામાનાં પદોનો સમગ્ર વિભાગ આપણા અભ્યાસક્રમમાં નથી. તેથી આપણે, આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં લઇને જ એમની કવિતાનાં કે પદોનાં ભાવપક્ષ અને કલાપક્ષની થોડીક ચર્ચા કરીએ.
છ વિભાગ અને છ વિષયકેન્દ્રી પદો = આપણે ઉપર જે કહ્યું એ મુજબ અનંતરાય રાવળનાં સંપાદિત પુસ્તક નરસિંહ મહેતાનાં પદોમાં સાત ભાગ અને સાઇઠ કવિતાઓ છે, પણ આપણે એમાંથી ઉપર જણાવ્યાં એ મુજબનાં છ વિભાગની કવિતાઓને જ ધ્યાને લેવાની છે, વળી, એમાં પણ જે-તે વિભાગની પણ બધી પદરચનાઓ નહીં, પણ પસંદગીની કવિતાઓને જ ધ્યાને લઇને એની ચર્ચા-ચર્વણા યા સમીક્ષા કે મૂલ્યાંકન કરવાની છે.
(1) આત્મવૃત્તનાં પદોનાં છ પદોમાંથી મરમ-વચન કહ્યાં ભાભીએ હુંને..., ઉમિયા-ઇશની મુજને કિરપા હવી.., શરદપૂનમતણો દિવસ આવ્યો તિહાં... , ધન્ય, ભાભી ! તમો, ધન્ય માતા-પિતા.., ગિરિતળેટી ને કૂંડ દામોદર.. તેમજ એવા રે અમે એવા રે એવા.... આ છ પદરચનાઓનો અભ્યાસ કરવાનો છે.                                                        (2) કૃષ્ણ-બાળલીલાનાં પદો પાંચ કાવ્યોમાં  ધન્ય રે ધન્ય મહા પુણ્ય જશોદા તણું.., ઓ પેલો ચાંદલિયો, મા ! મને રમવાને આલો.., જશોદા ! તારા કાનૂડાને સાદ કરીને વાર રે.., જાગને જાદવા ! કૃષ્ણ ગોવાળિયા !, જળકમળ છાંડી જા રે, બાળા !, સ્વામી મારો જાગશે.. એ પાંચ કાવ્યોનો અભ્યાસ કરવાનો છે.                                                                               (3) કૃષ્ણ-રાસલીલાનાં પદોમાં વ્હાલા મારા ! વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ...., જાદવે જમુના કાંઠડે રે, વાયો વેણું રસાળ.., શરદ નિશાએ મહારાજ કે વનમાં આવિયા રે લોલ..., વૃંદાવનમાં રચ્યો અખાડો નાચે ગોપી ને ગોપાળ.., આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે...,મેહુલો ગાજે ને માધવ નાચે રે.., વૃંદાવનમાં રાધા-માધવ થનક થનક થૈં સારી રે... અને થેઇથેઇકાર કરે છે કામા વૃંદાવન મોઝાર રે... એ આઠ પદોનો અભ્યાસ કરવાનો છે.                                                                                  (4) ભક્તિબોધનાં પદો વિભાગમાંથી ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે.., પ્રેમરસ પાને તું મોરનાં પિચ્છધર.., ધ્યાન ધર ધ્યાન ધર હરિ તણું, અલ્પમતિ આળસું.., શા સુખે સૂતો ? સંભાર શ્રીનાથને..., ઘડપણ કોણે મોકલ્યું રે ?.., વૈષણવજન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે.., જે ગમે જગતગુરુ દેવ જગદીશને..., સમરને શ્રીહરિ, મેલ મમતા પરી... વગેરે આઠ પદોનો અભ્યાસ કરવાનો છે.  (5) તત્વદર્શનનાં પદોનાં વિભાગમાંથી નામ પામ્યો, પણ રામને નવ લહ્યા..., જ્યાં લગી આત્માતત્વ ચિન્યો નહીં...., ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે..., હું ખરે તું ખરો, હું વિના તું નહીં..., અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.., જાગીને જોઉં તો જગત દિશે નહીં.. અને નિરખને ગગનમાં હોણ ઘૂમી રહ્યો ? આ સાત પદોનો અભ્યાસ કરવાનો છે.
(6) છઠ્ઠા વિભાગમાં ગોપી-ભક્તિનાં પદો વિભાગમાંથી આઠ કાવ્યોનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં                    તું મારે ચાંદલિયો ચોંટ્યો શા રે મહૂરતમાં, શામળિયા ?, ભોળી રે ભરવાડણ હરિને વેચવા હાલી રે..,
ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહો...., કેસરભીનાં કહાનજી, કસુંબે ભીની નાર.., આજ, સખી ! શ્રીવૃંદાવનમાં..., સખી ! આજની ઘડી તે રળિયામણી રે..., ઓધવજી ! કહેજો રે વહાલાજીને વિનતી રે... અને કારતક મહિને કૃષ્ણજી, મેલી ગયા રે મહારાજ...નો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે.
          આમ કુલ છ વિભાગ મળીને આપણે એને અભ્યાસવાનાં હોવાથી એનાં ભાવપક્ષ અને કલાપક્ષની ચર્ચા-વિચારણા કરીએ.
નરસિંહનાં પદોમાં ભાવપક્ષ = કોઇપણ કાવ્યમાં એનાં ભાવપક્ષને તપાસવો એટલે એનાં વિષય, ભાવ, પ્રસંગ, સામાજિક સંદર્ભ, કાવ્યરસતત્વ અને કાવ્ય શીર્ષક સાથે એમાંથી પ્રગટ થતો ઉદ્દેશ કે સંદેશ યા પ્રયોજન વગેરેની એમાં ચર્ચા કરી શકીએ. નરસિંહ મહેતાનાં પદોમાં આપણા અભ્યાસક્રમમાં આવતાં કુલ છ વિભાગમાં બેતાલીસ જેટલાં કાવ્યોનો અભ્યાસ કરવાનો છે, એ પસંદગી પામેલાં કાવ્યોમાં એનાં વિભાગીય શીર્ષક મુજબ જ એમાં આત્મકેન્દ્રી, બાળ-કૃષ્ણલીલા, ગોપી-રાસલીલા, ભક્તિબોધ, ગોપીભક્તિ અને તત્વદર્શનની આ કવિતાઓ છે, અર્થાત એમાં દરેકમાં એનાં વિષય સ્પષ્ટ જ છે, એ જ રીતે, સગુણ, નિર્ગુણ, પ્રેમલક્ષણાભક્તિ, શૃંગાર તેમ જ નરસિંહનાં જીવનમાં બનેલાં ચમત્કારોની કવિતાઓ પણ અહીંયા છે, જ્યાં ચમત્કાર હોય ત્યાં અદભૂત રસ ગણાય, તોફાન કરતો કૃષ્ણ કે ભાભીનું મહેણું સાંભળી ગૃહત્યાગ કરતો નરસિંહ ક્યાંક જ્ઞાનમાર્ગી, ક્યાંક ભક્તિમાર્ગી, ક્યાંક ઉપદેશક તો વળી ક્યાંક વૈરાગ્યની કવિતાઓ રચે છે.
          આ પદોમાં શૃંગાર, શાંત, અદભૂત, વીર, હાસ્ય અને ક્યાંક કરુણ રસ જોવા મળે છે. જેવો કાવ્યનો વિષય, પ્રસંગ, ઘટના કે બનાવ એવી એની રસસૃષ્ટિ જોવા મળે છે. શૃંગાર અને શાંત એ નરસિંહનાં કાવ્યમાં પ્રધાન રસ તરીકે ઉપસતા જોઇ શકાય છે, પાંચેક જેટલી રચનાઓમાં ચમત્કારનાં બનાવોનો નિર્દેશ એ અદભૂત રસ છે, આકાશમાંથી ચાંદલિયો તોડી લાવવો અને કૃષ્ણનાં તોફાનો જેવા બીજા પ્રસંગોમાં વીરરસ છે, ગૃહત્યાગથી માંડીને કૃષ્ણ કે શિવ-શંકર-પાર્વતીનાં દર્શન દુર્લભ થતાં ભક્તનાં મનોભાવ વ્યથિત થાય, એની વ્યથા યા વિષાદ યા વિરહ એ વિપ્રલંભ શૃંગારનાં તો ઇશ્વરનાં મિલનયોગનાં નિર્દેશોમાં સંભોગશૃંગાર જોવા મળે છે. જ્યાં જ્યાં ભક્તિરસ યા ભક્તિબોધની વાત આવે ત્યાં એને વિદ્વાનો શાંત રસ કહે છે, અર્થાત અહીંના ભક્તિબોધક કાવ્યોમાં શાંતરસ જોઇ શકાય છે.
         આમ, જો નરસિંહ મહેતાનાં પદોમાં એનાં ભાવવિશ્વને સમગ્ર રીતે જોઇએ તો; એનાં વિષય, એનાં ભાવ, પ્રસંગો, રસકલા કે રસબોધ અને કવિ યા એમનાં પદોમાંનાં આત્મકથાત્મક, રાસલીલા, દઢ્ઢ ઇશ્વર શ્રધ્ધા, કૃષ્ણપ્રીતિનાં કાવ્યો, જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યની કવિતાઓ, વાત્સલ્યપ્રીતિ યા શૃંગારપ્રીતિનાં કાવ્યો, આત્માથી માંડીને અધ્યાત્મનાં નિર્દેશ કરતાં પદોમાં ભાવાનુરુપ પક્ષ જોવા મળે છે, તેથી આ કાવ્યોની એ મહત્વની લાક્ષણિકતા ગણી-ગણાવી શકાય.  
નરસિંહનાં પદોમાં કલાપક્ષ = નરસિંહ મહેતાનાં પદોમાં એનો જેવો સુંદર અને સબલ ભાવપક્ષ છે, તેવો જ સુંદર કલાપક્ષ પણ રહ્યો છે. આ કવિતાઓ અનુભવની અભિવ્યક્તિ છે, તેથી નક્કર અભિવ્યક્તિની સહજ અભિવ્યિક્તિની આ કવિતાઓ કહી શકાય. એની સુંદર અભિવ્યક્તિને કારણે એ સફળ કાવ્ય પણ બને છે, અર્થાત એનો કાવ્યપક્ષ યા કલાપક્ષ જોઇએ તો,
(1) જીભલડી જપમાળા ન જપે તો જીભલડી નહિં ખાસડીઆં..
(2) જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઉંઘમાં અટપટા ભોગ ભાસે..
(3) પ્રેમરસ પા ને તું, મોરનાં પિચ્છધર, તત્વનું ટૂંપણું તૂચ્છ લાગે..
(4) કીડી હુતો તે કુંજર થઇ ઉઠિયો..
(5) તમને જે વલ્લભ, હોય કાંઇ સુલભ, આપો પ્રભુજી ! હુંને દયા રે આણી..
(6) અચેતન ચેતન થયો, ભવતણો અધ્ય ગયો, સૂતી ઉઠી મારી આદ્ય વાણી..
(7) પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રુપે થયો મધ્ય ગાવા..
(8) એવા રે અમે, એવા રે એવા, વળી તમો કહો છે તેવા રે..
(9) હળવાં કરમનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વ્હાલા રે..
(10) ઉઠો રે બળવંત કોઇ બારણે બાળક આવિયો..
(11) રંગભર રમવા રાસ રમાડો રે..
(12) વાજે-તાલ પખાજ ને ઝાંઝ, કે વીણા વાંસળી રે લોલ..
(13) મટુકી ઉતારી માંહે મોરલી વાગી રે..
(14) વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે..
(15) જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો..
(16) શું થયું જપ-તપ-તીરથ કીધા થકી ? શું થયું માલા ગ્રહી નામ લીધે ?
      શું થયું તિલક ને તુલશી ધાર્યા થકી ? શું થયું ગંગાજળ પાન કીધે ?
(17) પુરણ પુરુષોત્તમ પ્રેમદા-શું રમે, ભામિનીએ ભાવ શું અંક લીધો;
      જે રસ વ્રજ તણી નાર વિલસે સદા, સખીરુપે તે નરસિયે પીધો....
(18) વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;
      ઘાટ   ઘડિયા   પછી   નામ  રુપ  જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે..
(19) વૃક્ષમાં  બીજ  તું,  બીજમાં  વૃક્ષ  તું,  જૌંઉ  પટંતરે  એ જ પાસે;
      ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે..
(20) નિરખને   ગગનમાં   કોણ  ઘૂમી   રહ્યો ? તે    હું, તે જ હું, શબ્દ બોલે;
      બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો..
(21) હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે, મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યાં રે..
(22) ફરરર  ફરરર ફૂદડી ફરે અને ઘણણ ઘણણ ઘૂઘરી ઘમકે રે..
(23) પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે, મળિયો મળિયો મળિયો મહેતા નરસૈયાનો સ્વામી રે..
           આમ, આવી તો અનેક પંક્તિઓમાં નરસિંહની કાવ્યકલા જોઇ શકાય છે, એમની ભાવ કે પ્રસંગને અનુરુપ શબ્દની પસંદગી, અર્થને અનુરુપ શબ્દ પસંદગી, પ્રસંગને અનુરુપ શબ્દ ચિત્ર, કે જે આપણાં ચિત્તમાં જાણે કે દશ્ય ખડું થતું હોય, એ કાવ્યત્વની સફળતાની નિશાની છે, ગૃહત્યાગ, શિવનું પ્રગટ થવું, રાસલીલા જોવા જવું, વરદાન દેતાં પરમાત્મા, ગોપીઓની ફરિયાદ, કૃષ્ણનાં તોફાન, માખણ વેંચવા નીકળેલી વ્રજનારી, જળકમળમાં આવતાં દશ્યો, આવા તો અનેક દશ્યોમાં કાવ્યકલા જોઇ શકાય છે,
          તો વળી, નરસિંહ મહેતાનાં પદોમાં ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, દષ્ટાંત અલંકાર, અતિશયોક્તિ અલંકાર, વ્યતિરેક અલંકાર, સજીવારોપણ અલંકાર, વર્ણાનુપ્રાસ અલંકાર, પ્રાસાનુપ્રાસ, અનુપ્રાસ વગેરે પણ એમની કાવ્યકલાની સિધ્ધિ છે. સાથોસાથ કહેવતો કે ચિંતનકણિકાઓ, બ્રહ્મદર્શન કે આત્મદર્શન, કૃષ્ણદર્શન અને રાસદર્શનાદિમાં પણ કવિની સાર્થક્ય શક્તિનાં દર્શ્ન થાય છે. દા.ત.શકટનો ભાર જેમ શ્વાન તાણે, અંતે તો હેમનું હેમ હોય, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, કર્મનાં મર્મને લેવો વિચારી, એ પરપંચ સહુ પેટ ભરવા તણાં, ભવની ભાવટ ભાંગી, ગ્રંથે ગરબડ કરી, કૃષ્ણ વિના સર્વે કાચું અને જ્યાં લગી આત્મતત્વ ચિન્હ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જુઠ્ઠી જેવી નરસિંહની અમર બની ગયેલી કાવ્યપંક્તિ એની કવિ તરીકેની પણ સફળતા જ ગણી શકાય.
નરસિંહની કવિતાઓમાં મર્યાદાઓ = નરસિંહ મહેતાનાં પદોનાં ભાવપક અને કલાપક્ષની આપણે ઉપર મુજબ ચર્ચા કરી છે, એ એમની સમગ્ર કવિતાઓને ધ્યાને લઇને નહીં, પણ આપણા અભ્યાસક્રમમાં પસંદ કરાયેલી છ વિભાગની બેતાલીસ કવિતાઓને જોઇને ચર્ચા કરી છે, એમાં સફળ અને સબળ કવિતા છે જ, પણ જે થોડીક મર્યાદાઓ જોવા મળે છે તેમાં કેટલાંક કાવ્યો કાવ્યકલાની દષ્ટિએ નબળા લાગે છે, એ એમની પહેલી મર્યાદા છે, બીજી મર્યાદા કે ખામી જોઇએ તો, કેટલીક કવિતાઓ માત્ર ઉપદેશ આપતી જ લાગે છે, જે એનાં કાવ્યત્વને જોખમાવે છે, ત્રીજી મર્યાદા જોઇએ તો, કેટલાંક કાવ્યોમાં સ્થૂળ અને ખુલ્લો શૃંગાર જોઇ શકાય છે, ચોથી મર્યાદા કૃષ્ણપ્રધાન જ કવિતાઓ મળે છે, અર્થાત કૃષ્ણ-ઉપાસનાનઈ સાંપ્રદાયિક કવિતાઓ જ બની રહી છે, એ ઉપરાંત, કાવ્યોમાં બે-ચાર જગ્યાએ વાપરેલાં શબ્દોનાં પ્રયોગ એ એમની નબળી પસંદગી સમાન લાગે છે, અલબત, આટલી થોડીક મર્યાદાઓ-ખામીઓને બાદ કરીએ તો નરસિંહનાં પદો એ અદભૂત અને અવ્વલ છે.
સમાપન= નરસિંહ મહેતાનાં પદોમાં આવતા છ વિભાગ અને બેતાલીસ કાવ્યોની પસંદગી અભ્યાસક્રમની સામગ્રી છે, જેમાં એનાં આત્મચરિત્રાત્મક, રાસલીલા, કૃષ્ણલીલા, ભક્તિગાન, જ્ઞાન, તત્વદર્શી અને ઉપદેશાત્મક ઉપરાંત, ગોપીભાવની કે પ્રેમલક્ષણા ભક્તિની કવિતાઓનો અભ્યાસ કરવાનો છે, ત્યારે એ બેતાલીસ કવિતાઓમાં લગભગ દશેક કવિતાઓમાં નરસિંહની ઉત્તમ સિધ્ધિ જોઇ શકાય છે, કેટલીક લોકગીત પ્રકારની, કેટલીક ભજન-પ્રભાતિયા પ્રકારની અને થોડીક કાવ્યકલાની દષ્ટિએ શ્રેષ્ઠ બને છે, સમગ્ર રીતે જોઇએ તો, એનાં ભાવપક્ષ અને કલાપક્ષ એમ બંન્નેની લાક્ષણિકતાઓથી એ સમૃધ્ધ લાગે છે.

Comments

Post a Comment

Popular posts from this blog

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા