‘મિથ્યાભિમાન’-દલપતરામ.-પ્રો.રમેશ સાગઠિયા



મિથ્યાભિમાન-દલપતરામ.
ગુજરાતી નાટક-ઇ.સ.1871માં પ્રસિધ્ધ.
દલપતરામે બે નાટકો લખ્યા છે, લક્ષ્મીનાટક અને મિથ્યાભિમાન એમની આ નાટ્ય રચના કચ્છની એક સ્પર્ધામાં રુ.100 ઇનામ મેળવવાર્થે લખાયેલું, જીત્યા બાદ એમને દોઢસો રુપિયા ઇનામ મળેલું. ગુજરાતીનું લોકપ્રિય અને હાસ્યરસ પ્રધાન નાટક છે. આઠ અંકમાં લખાયેલું છે. મિત્ર ફાર્બસ સાહેબ પાસેથી એક ગ્રીક નાટકનો અંગ્રેજી અનુવાદ સાંભળીને દલપતરામે લક્ષ્મીનાટક લખ્યું. તો ભવાઇશૈલીનો પ્રભાવ ઝીલીને મિથ્યાભિમાન નાટક લખ્યું. સળંગ અને સફળ હાસ્યરસ પ્રધાન નાટક છે. જીવરામ ભટ્ટ એનો નાયક છે. જે રતાંધળો છે. રાતે જોઇ શકતો નથી, દંભી છે, એક વાર રાતનાં સમયે જીવરામ ભટ્ટ સસરાને ઘેરે જાય, બધાને ખબર છે કે જીવરામ ભટ્ટ રતાંધળો છે; પણ એ પોતે દંભી હોવાથી એ વાતને સ્વીકારતો નથી. અનેક પ્રશ્નોમાં અટવાય છે, અભિમાની અને દંભી હોવાથી વારંવાર ઠ્ઠામશ્કરીનો ભોગ બને છે. ચાલાકીથી જવાબ આપે છે, પણ પાછો પકડાઇ પણ જાય છે. કેટલી આંગળીઓ છે? નો જવાબ ચાર આપે છે, અંગુઠો આંગળીમાં ના ગણાય એવો જવાબ આપીને પોતાની હાંકે છે.હાજરજવાબી બનવા જાય છે, અંતે રાતે અંધારામાં ચોર ગણીને પોલીસ પકડે છે, ગાયકવાડી પોલીસની મારથી જીવરામ ભટ્ટ મૃત્યુ પામે છે. જીવરામનો સસરો રઘુનાથ ભટ્ટ (એક જ અટક?), સાળો સોમનાથ ભટ્ટ, રંગલો વગેરે પણ મહત્વનાં પાત્રો છે. માણસની નબળાઇઓ, બહાનાબાજી, ચતુરાઇ, દંભ, મિથ્યાભિમન, પાખંડ અને ઉપહાસ કે ઠઠા મશ્કરી રુપ બનતાં માણસ, જુઠ્ઠી દલિલબાજી, રિસામણાં-મનામણાં, કુળ, બુધ્ધિ, બહાદુરી અને હોશિયારીની આડંબરીવૃત્તિને અહીંયા વાચા મળી છે. જેના દ્વારાં તો માનવની નબળાઇની અસ્વીકૃતિનું માનસ રજૂ કરાયું છે. આ નાટકમાં કરુણ અને હાસ્યરસ પ્રધાનરસ રહ્યાં છે. માનવસ્વભાવ જ જાણે કે નાયક છે. વસ્તુ, પાત્ર, વર્ણન, સંવાદ અને રસકલાથી લોકપ્રિય બનેલું આ એક સફળ અને સબળ ગુજરાતી નાટક તરીકે આને આપણે જોવું રહ્યું.

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા