દલિત કવિશ્રી બ્રહ્મ ચમાર-પરિચય
દલિત કવિશ્રી બ્રહ્મ ચમાર-સર્જક પરિચય. જન્મતારીખ-26-3-1982. જન્મસ્થળ- ગામ-મોરવાડા, તા-વાવ. જિ.બનાસકાંઠા..
વતન-ચલાદર તા.ભાભર જિ.બનાસકાંઠા. હાલનું સરનામું=રાધાનેસડા, પોસ્ટ-કુંડળિયા તા.વાવ. જિ.બનાસકાંઠા.-385575. અભ્યાસ-એમ.એ. / એમ.એડ. વ્યવસાય=લોકશિક્ષક (રાધાનેસડા તા.વાવ) મો.નંબર = 99133-63086. પુસ્તક= ‘અસ્તિત્વ અને ઓળખ’ (દલિત કવિતા સંપાદન) ઇ.સ.2012. પારિતોષિક= શ્રેષ્ઠ કવિતા પારિતોષિક (દેશાવીરા ચેરીટેબલ ટ્રસ્ટ ‘દલિતચેતના’નું વર્ષ 2010-11નું ‘પરિવર્તન’ને શ્રેષ્ઠ કવિતા માટેનું પારિતોષિક. નોંધ=બ્રહ્મ ચમાર કવિતામાં આક્રોશ ધગધગતા લાવા જેવો છે. તેનું કારણ બાળપણથી જ એમને સામાજિક વર્ણવ્યવસ્થાને કારણે ઘણું જ સહન કરવું પડ્યું છે, વેઠવું પડ્યું છે. પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં જમવા અલગ બેસવાનું, સવર્ણને ઘેર જમવા થાળી લઇને જવાનું, પાણી ઉંચેથી સવર્ણ પાય ત્યારે જ પીવાનું, સવર્ણને સ્પર્શી જવાય તો ગંદી ગાળો ખાવાની-આ બધાને કારણે એ દલિત કવિતા લખવા પ્રેરાયા. આ કવિની ઉંચ-નીચનાં ભેદભાવ, તિરસ્કાર અને શોષણમાંથી જન્મી છે. એક દલિત હોવાને નાતે એમણે જે કાંઇ વેઠવું પડ્યું અને પડકારો અને પીડાઓનો સામનો કરવો પડ્યો છે, તે અક્ષરસ: એમની કવિતામાં ઉતર્યું છે. આમ, જોઇએ તો એમની કવિતા આત્મકથાનાં અંશો જ છે. ગુજરાત વિદ્યાપીઠમાંથી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરીને બહાર આવેલાં બ્રહ્મ ચમાર ગાંધી-આંબેડકરનાં વિચારધારાનાં પ્રખર અભ્યાસી રહ્યાં છે. એમની પ્રથમ કવિતા ‘દલિત શિક્ષકનો આક્રોશ’ ‘દલિતચેતના’માં સામયિક જૂન-2008માં પ્રગટ થયેલ. તેઓ સાત વર્શથી કવિતાઓ લખે છે. પરંતુ, એમણે કવિ તરીકે મૂલ્યવાન કવિતાઓ લખીને ખાસ્સુ એવું ધ્યાન ખેંચ્યું છે. એમની કવિતાઓ ‘દલિતચેતના’ માસિક ઉપરાંત ‘હયાતી’, ‘કચ્છપડઘમ’, ‘રોહિતમિત્ર’, ‘ઇ-નિર્ધાર’, ‘દલિત અધિકાર’ વગેરે સામયિકોમાં અવારનવાર પ્રગટ થતી રહી છે. એમની કવિતા વિશે ભી.ન.વણકર, કેશુભાઇ દેસાઇ, કરસનદાસ લુહાર, હરીશ મંગલમ, પ્રવીણ ગઢવી વગેરેએ નોંધ લીધી છે. બ્રહ્મ ચમાર વધુને વધુ કવિતાઓ લખીને દલિત કવિતાની જ્યોત જલતી રાખવામાં અગ્રેસર થશે તેવી અપેક્ષા બંધાય છે. લે-મનોજ પરમાર.
‘નવોદિત કવિ બ્રહ્મ ચમારની કલમમાં ઘણી બધી ક્ષમતાઓની પ્રતીતિ થાય છે. તેમનું ‘કામવાળે બાઇનું ગીત’ આપણી સંવેદનાને ઝણઝણાવે છે તો તેમનું ‘વસિયતનામું’ પણ હલબલાવી જાય છે’. (કરસનદાસ લુહાર, ‘આવતીકાલની આજે વાત’ લેખ, ‘દલિતચેતના’ જૂન 2011 પૃ.18) ’યુવા કવિ ‘બ્રહ્મ ચમાર’ની અછાંદસ કવિતા ‘પરિવર્તન’ મને વિશેષ ગમી છે. ‘પાવડાનાં બદલે પુસ્તક હોવું-કેવું મૂળ સોંતું પરિવર્તન?’ (ભી.ન,વણકર. ‘પરિવર્તન-હા, મૂળ સોંતું પરિવર્તન’ લેખ’ ‘દલિતચેતના’ જાન્યુઆરી 2013 પૃ.31) ’બ્રહ્મ ચમાર તેમનાં લઘુકાવ્યો માટે જાણીતા છે. પ્રસન્ન થયેલાં ભગવાનને પોતાની અટક ચમાર કહેતાં જ ભગવાન ગાયબ થઇ ગયો, એવો કટાક્ષ કરે છે.’ (પ્રવીણ ગઢવી. ‘દલિતચેતના’ પૃ.18 (આમુખ) વર્ષ 2012)
સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:9 અંક:5 સળંગ અંક:101, માર્ચ 2015 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.3/4
Comments
Post a Comment