શ્રી શિરીષ પરમાર=દલિત સાહિત્યકારશ્રી

શ્રી શિરીષ પરમાર. જન્મતારીખ=23 ઓકટોમ્બર ઇ.સ.1939. જન્મસ્થળ=અમદાવાદ. વતન=અમદાવાદ. હાલનું સરનામું-639, ખસીપુર, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-22. અભ્યાસ-જૂની એસ.એસ.સી. (મેટ્રીક) અને ચિત્રકલાનો અભ્યાસ. વ્યવસાય=કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત્ત. સંપર્ક=99130-96245. પ્રકાશિત પુસ્તકો= (1)=’થીજી ગયેલી રાત’ (ઇ.સ.1986-નવલિકાસંગ્રહ) (2)=’સીમનાં અંધારાં’ (ઇ.સ.1991-ભૂતકથાઓ) (3)=’નાથબાબાનો ચમત્કાર’ (ઇ.સ.1997-બાળવાર્તાઓ) પારિતોષિક= (1) ‘નવચેતન’ માસિક દ્વારાં ‘ઘરનો સાદ’ વાર્તાને ઇ.સ.1981-82નો કુમારી અલ્પના ગુણવંત શાહ વાર્તાચંદ્રક. (2) ભારતીય દલિત સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હીનો ડો.આંબેડકર ફેલોશીપ ચંદ્રક. નોંધ-શિરીષ પરમાર એક એવા સર્જક છે કે જ્યારે દલિત સાહિત્યકારોમાં એકાદ-બે સર્જકો સર્જન કરી રહ્યાં હતાં ત્યારે તેઓ વાર્તાઓ લખતાં હતાં. ચિત્રકામ ઉપરાંત સાહિત્ય વાંચન તથા લેખનની રુચિને કારણે ‘ચાંદની’, ‘રંગતરંગ’, ‘આરામ’, ‘નવચેતન’, ‘શ્રીરંગ’ જેવા સામયિકોમાં એમની નવલિકાઓ પ્રગટ થઇ હતી. આ વાર્તાકાર ઇ.સ.1980 પછી તો સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઇ ગયા હતાં. શિરીષ પરમારનું વાર્તાકાર તરીકે તે વખતે ખૂબ નામ જાણીતું હતું. પરંતુ; ઇ.સ.1990 પછી એમની લેખનપ્રવૃત્તિ લગભગ બંધ થઇ જતાં એક આશાસ્પદ વાર્તાકાર અકાળે મૂરઝાઇ ગયો. ઇ.સ.1987માં ગુજરાતી દલિત વાર્તાનાં સંપાદન (સંપાદકો: મોહન પરમાર –હરીશ મંગલમ)માં પણ એમની ‘ફરજ’ વાર્તા છપાઇ હતી. આ સર્જકમાં વાર્તાકળા સિધ્ધ કરવાની એક અનોખી શક્તિ છે. ભૂતકથાઓ હોય, પ્રેમ-સંવેદનની કથાઓ હોય કે પછી સામાજિક વાસ્તવ સાથે પનારો પાડીને લખાયેલી વાર્તાઓ હોય-દરેક સમયે એ વાર્તાનાં સ્વરુપગત લક્ષણોને વફાદાર રહ્યાં હતાં. એમનાં પ્રથમ વાર્તાસંગ્રહ ‘થીજી ગયેલી રાત’માં ઘણી વાર્તાઓ નીવડી આવેલી દેખાશે. આ વાર્તાકારે પ્રતિષ્ઠાનો ઝાઝો મોહ રાખ્યો નથી. તેઓ સાહિત્યિક સમારંભો કે મેળાવડાંઓમાં ભાગ્યે જ દેખાય છે. એમનાં લેખનકાર્ય દરમિયાન એક ખમીરવંતી લેખક તરીકેની એમની કારકિર્દી રહી છે. સાવ વિનમ્ર અને કશાય આડંબર વિનાના આ વાર્તાકારે વધુ વાર્તાઓ કેમ ન લખી તેનું આશ્ચર્ય થાય છે. ચિત્રકલાની સાથે સાથે સાહિત્યકલા સાથે નાતો જોડનાર આ વાર્તાકાર માત્ર કળાનો જીવ છે. એટલે હસ્તગત થયેલી સાહિત્યકલાને એમણે છોડી દીધી છે તેમ કહેવું ઉચિત નથી. હાલ સત્વશીલ સાહિત્યિક કૃત્તિઓનું વાચન કરી રહેલાં આ સર્જક હજીયે વાર્તાઓ લખીને ગુજરાતી સાહિત્યમાં સત્વશીલ કૃત્તિઓનું ઉમેરણ કરશે તેવી અપેક્ષા જરુર રાખી શકાય.’ = લે.મનોજ પરમાર.(તંત્રીશ્રી) સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:8 અંક:3 સળંગ અંક:87, જાન્યુઆરી=2014 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.3/4. ============================================================

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા