દલિત લેખિકા શ્રીમતી જસુમતીબહેન પરમાર
જસુમતી પરમાર. જન્મતારીખ=2જી જૂન 1958. જન્મસ્થળ-મું.વટવા તા.સિટી. જિ.અમદાવાદ. સાસરું=મું.ભુવાલડી. તા.દસક્રોઇ જિ.અમદાવાદ. હાલનું સરનામું=4 હેમાંગ પાર્ક, વેજલપુઅર અમદાવાદ-380051. અભ્યાસ=એસ.એસ.સી./પી.ટી.સી. વ્યવસાય=નિવૃત્ત શિક્ષિકા સંપર્કસૂત્ર=મો.નં-99092-64914. પ્રકાશિત પુસ્તકો=હજી સુધી કોઇ સ્વતંત્ર પુસ્તક પ્રકાશિત થયેલું નથી. પણ કેટલીક વાર્તાઓ, કેટલાંક આત્મકથનો, ગુજરાતી દલિત સાહિત્યનાં સામયિકો/સંપાદનોમાં પ્રગટ થયેલ છે. એમાના કેટલાક હિન્દી તથા અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયેલાં છે. નોંધ-ગુજરાતી દલિત સાહિત્યમાં આમ પણ સ્ત્રી લેખકો આંગળીને વેઢે ગણાય એટલાં જ છે અને એનાં પ્રમુખ કારણોમાં આર્થીક-સામાજિક-શૈક્ષણિક-સાંસ્કૃતિક વંચિતતાઓનો સરવાળો, જે દલિત નારીને હજી આજે પણ કલમ પકડતી અટકાવી રહ્યો છે. અને એ વિટંબણાપ છતાં, જે થોડાંક આશાસ્પદ નામો ઉભર્યા છે એમાં એક નામ શ્રીમતી જસુમતી પરમારનું છે. જસુમતી કહે છે કે સ્ત્રી હોવાને કારણે સ્ત્રીઓને વેઠવા પડતાં દુ:ખો ઉપરાંત બે સંતાનોનાં પિતા સાથે પોતાનાં પ્રેમલગ્નને કારણે, અને એમાંય દલિત-દલિતનાં આંતરજ્ઞાતિય લગ્નને કારણે જીવનમાં જે જોવા-જાણવાં-માણવા-ભોગવવાનું આવ્યું એ જ મારા નાનકડા સાહિત્ય સર્જનનાં વિષયો રહ્યાં છે. તેઓ વધુમાં ઉમેરે છે કે તેમને સાહિત્યસર્જનની પ્રેરણા એમનાં જ જીવનસાથી તરફથી મળી છે, કે જે પોતે પણ એક દલિત સાહિત્યકાર છે. એમની પહેલી વાર્તા ‘મેં તો સમણા સજાવ્યાં’તાં તમ્મારા સમ્મ.’ એક દલિત મિત્રદંપતિનાં જીવનની કરુણતામાંથી જન્મી હતી. વૃધ્ધ મા-બાપ નિરાશા અનુભવી રહ્યાં છે કે તેમનાં બેઉ પરિણીત દીકરાએ વર્ષો થયા છતાં સંતાનહીન છે અને આમ વંશવેલો અટકી જવાની ચિંતામાં અટવાયેલાં મા-બાપને કેમ કરી ઠારવા એની ચિંતા સતાવે છે ભાઇઓને. ત્યારે એક ભાઇનાં પુન:લગ્ન થઇ શકે એ માટે ‘વંધ્યા’નું મહેણું ખાતી એ બે સ્ત્રીઓમાં એક સ્ત્રીને પિયર ભેગી કરાય છે. ફારગતિના કાગળિયા સાથે ! અને પછી જસુમતીએ ગૃહસ્થીની જવાબદારીમાંથી જ્યારે પણ ફુરસદની થોડી ક્ષણો મળે ત્યારે ટી.વી. જોવાને બદલે વાર્તા-આત્મકથન લખવાં શરુ કર્યા. એ સારું ગાઇ પણ શકે છે એટલે શોખ રુપે એમણે દલિતોનાં લગ્નગીતોનો એક સંચય પણ ડાયરીમાં ઉતાર્યો છે. કદાચ એ શોખને કારણે જ એમની રચનાઓને શીર્ષકો મળ્યાં છે આવા લોકગીતોની કદીઓમાંથી. જસુમતી પરમારે ગુજરાતી સાહિત્યનાં જાણીતા દલિત કવિશ્રી નીરવ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા છે. ધીરગંભીર અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતાં જસુમતી પરમારનો સાહિત્યશોખ પહેલેથી હોવાને કારણે નીરવ પટેલનાં સાંનિધ્યમાં સતત સાહિત્યનાં મેળાવડાઓમાં હાજર રહ્યાં છે. નીરવ પટેલ સાથેનાં પ્રેમલગ્ન આંતરજ્ઞાતિય લગ્ન છે તેમ સહુને લાગે. પરંતુ, જસુમતી પરમારનાં શબ્દોમાં કહીએ તો ‘આમ તો મારી અને નીરવની જ્ઞાતિ જુદી, એટલે કે હું જન્મે વણકર અને નીરવ જન્મે રોહિત. પણ બંન્ને જ્ઞાતિઓ મૂળે દલિત અને બંન્ને જ્ઞાતિઓની રહેણીકરણી, ખાણીપીણી, પહેરવેશ, બોલી, આચારવિચાર, સામાજિક રીતરિવાજો વગેરે એક જ સરખાં. બંન્ને વચ્ચે કોઇ અસ્પૃશ્યતા નહીં, બંન્ને વચ્ચે ભાણા વ્યવહાર પણ બેટી વ્યવહાર નહીં.’ અહીં જસુમતી પરમારે એક મોટું સત્ય પ્રગટ કરીને બંન્ને જ્ઞાતિઓ વચ્ચે વ્યવહારોમાં સામ્યતા હોવા છતાં બેટી વ્યવહાર કેમ નહીં? તે દર્શાવવાને બંન્ને જ્ઞાતિઓમાં આંતરજ્ઞાતિય લગ્ન કરવાની પહેલ કરી છે તે પ્રશંસનીય છે. સાહિત્યકારનું કર્મ જ આ છે, જસુમતીએ ભલે પ્રમાણમાં સાહિત્ય ઓછું લખ્યું હોય પણ જીવનમાં સાહિત્યનાં મંત્રને ઉતારી, સમાજ સાથે સેતુ રચીને સમાજધર્મ બજાવ્યો છે તેનું ઘણું જ મહત્વ છે. જસુમતી મીઠી ફરિયાદ સાથે કહે છે કે કાચુપોચું જે કંઇ લખાયું છે તે પલંગનાં ગાદલાં નીચે પકવવા મૂક્યું છે.પોતાનાં ‘મહા આળસુ’ જીવનસાથીનાં પારસસ્પર્શની રાહ જોતું... આ લેખિકાનાં થોડાં પ્રદાન છતાં, ગુજરાતી દલિત સાહિત્યને દલિત નારીનાં સંવેદનો-નિરીક્ષણોની જે આછેરી ઝલક પ્રાપ્ત થઇ છે એ જોતાં આપણે એમની પાસે ઝાઝાં નહીં તો પણ એક-બે વાર્તાસંગ્રહો અને એકાદ આત્મકથાનાં પુસ્તકની અપેક્ષા તો જરુર રાખીએ. -લે.મનોજ પરમાર.(તંત્રીશ્રી) સંદર્ભ ‘દલિતચેતના’ વર્ષ:8 અંક:5 સળંગ અંક:89, માર્ચ 2014 તંત્રીશ્રી-મનોજ પરમાર પૃ.3/4. ============================================================
Comments
Post a Comment