ગુજરાતી દલિત સાહિત્યકારોનો પરિચય=..14
દલિત સાહિત્ય વિશે===ગુજરાતી દલિત સર્જકો-પરિચય, (1)શ્રી રાજુ સોલંકી= જન્મ તા.18 ઓગસ્ટ ઇ.સ.1961 જન્મસ્થળ=અમદાવાદ, વતન=અમદાવાદ, હાલનું સરનામું=202, સારથી એપાર્ટમેંટ, મુસા સુરાગ દરગાહ સામે, શાહીબાગ, અમદાવાદ-380004. અભ્યાસ=બી.એસ.સી. વ્યવસાય=સમાજસેવા. મો.નં=9898650180. પ્રકાશિત પુસ્તકો= ઇ.સ.1986માં ’મશાલ’ કાવ્યસંગ્રહ; ઇ.સ.1986માં ‘બામણવાદની બારાખડી’ શેરીનાટક, ઇ.સ.2005માં ‘ભગવા નીચે લોહી’ સંશોધન. અને અન્ય બે પુસ્તકોમાં એક ભીમ ડાયરી (સંપાદન) ડો.બાબાસાહેબ આંબેડકરની ચિંતનકણિકાઓનો સંચય, અને ‘Blood Under saffron’ (Research) વિશેષ=’રાજુ સોલંકીનો દલિત સાહિત્યમાં પ્રવેશ ઇ.સ.1981ની આસપાસ થયો, ગુજરાતી દલિત સાહિત્યમાં પ્રવેશતાં જ તેમના પરંપરાભંજક વિચારોને કારણે સતત તેઓ ધ્યાન દોરતાં રહ્યાં છે. ઇ.સ.1986માં પ્રગટ થયેલા તેમનાં કાવ્યસંગ્રહ ‘મશાલ’ની રચનાઓ જોતાં આ વાતની પ્રતીતિ થયા વિના રહેશે નહિં. સામાજિક વિષમતા અને તે સામેનો મુખર નહીં પરંતું; સૂક્ષ્મ આક્રોશ એમની કવિતાઓમાં ડોકાય છે. ‘બામણવાદની બારાખડી’ નામનાં શ્રી નાટકે ખાસ્સી એવી ચર્ચા જગવી હતી. સાહિત્ય ઉપરાંત તેમનું મહત્વનું કાર્ય સમાજ-ઘડતર રહ્યું છે. નાની ઉંમરથી જ સમાજસેવી રહ્યાં છે. આ દષ્ટિએ જોઇએ તો તેઓ દલિત સમાજનાં વિકાસમાં પાયાના કાર્યકર તરીકે ઉભરી આવ્યાં છે. કર્મશીલ તરીકે એમની ગણના ઘણાં કારણોસર થતી રહી છે. એમણે ડો.બાબાસાહેબ આંબેડકરનાં ગુજરાત સ્રકાર દ્વારાં પ્રકાશિત ગ્રંથોનું સંપાદન પણ કર્યું છે. તો ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓએ છ રાજ્યોમાં મુસ્લિમોની સામાજિક-આર્થીક પરિસ્થિતિનું સર્વેક્ષણ કરેલું. તેમાં ગુજરાતનાં ટીમ લીડર તરીકે રાજુ સોલંકીએ સેવાઓ આપેલી. બનાસકાંઠા દલિત સંગઠનનાં મુખપત્ર ‘દલિત અધિકાર’નું એમણે સંપાદન પણ કરેલું. સમાજસેવા એમનું મહત્વનું પ્રેરકબળ હોઇ, એ ક્યારેય જંપીને બેસતાં નથી. હમણાં તીસરી આઝાદી સંમેલનનાં આયોજનમાં એ વ્યસ્ત છે. દલિત સમાજનાં બાળકોમાં શૈક્ષણિક સ્તરે પાયાનું ઘડતર થાય તેવી પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા એ કાર્યરત છે. સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2 (વર્ષ:4 અંક:11. સળંગ અંક:47, સપ્ટેમ્બર:2010.-માંથી સાભાર) =================================== (2) શ્રી શિવજી રુખડા. જન્મ=તા.20 મે ઇ.સ.1944. જન્મસ્થળ=બગસરા (અમરેલી) વતન- બગસરા (અમરેલી); હાલનું સરનામું- અમરપરા, આંખની હોસ્પિટલની બાજુમાં, બગસરા.365440. અભ્યાસ-બી.એ. વ્યવસાય=નિવૃત્ત શોપ ઇંસ્પેકટર, નગરપાલિકા, બગસરા. (મો.નં.9426126678) પ્રકાશિત પુસ્તકો=ઇ.સ.1990માં ‘ફૂલનો પર્યાય’ (ગઝલસંગ્રહ) અને ‘એના ઘર ભણી (ગઝલસંગ્રહ) પારિતોષિક=(1) 1987માં જીવનની વ્યથા અને વેદના દલિત કાવ્યો દ્વારાં વ્યક્ત કરવા બદલ શ્રી ધનજી કાનજી ગાંધી પારિતોષિક અને (2) 1989માં ‘કાવ્યગોષ્ઠિ’ દ્વારાં સ્પર્ધામાં મહાકવિ પ્રેમાનંદ પારિતોષિક. વિશેષ= અમરેલી જિલ્લાનાં બગસરા ગામમાં વર્ષોથી વસતાં કવિજીવ કશીય આળપંપાળ વિના માત્રને માત્ર કાવ્યસર્જન કરતાં રહ્યાં છે. આવા તો ઘણાં કવિઓ છે કે જે ગુજરતનાં કોઇ એક ખૂણામાં બેસી રહીને સાહિત્ય સર્જન કરતાં હોય છે. એમણે તો માત્ર સાહિત્ય સાથે જ લેવાદેવા હોય છે. કોઇ એમના સાહિત્યને વખાણે કે ન વખાણે. એ તો માત્ર સાહિત્ય સાથે જ જોડાયેલાં હોય છે. કવિશ્રી શિવજી રુખડા આવા જ એક અલગારી કવિશ્રી છે. એમને ગુજરાતી સાહિત્ય જગત છવાઇ જવાના ક્યારેય અભરખા રાખ્યા નથી. એમના કાવ્યો થકી એ સતત સાહિત્ય રસિકોમાં ચર્ચાતા રહ્યાં છે. કવિશ્રી શિવજીભાઇ બગસરામાંથી ભાગ્યે જ બહાર નીકળ્યાં છે. છતાં એમની કવિતામાં એવી તાકાત છે કે એક દલિત કવિ તરીકે એમને પોખ્યા વિના ચાલે જ નહીં.શિવજીભાઇ દલિત-અદલિત બંન્ને પ્રકારની કવિતાઓ લખે છે.બંન્નેમાં તેઓ કૌવત દાખવી શક્યા છે. કવિતાનાં માપદંડોમાં રહીને વાસ્તવને સૂક્ષ્મ રીતે રજૂ કરવાની તેઓ કુનેહ દાખવે છે. માત્ર એમને કવિતાઓ જ લખી છે, એવુંય નથી, એ વાર્તાઓ અને અન્ય લેખો પણ લખવામાં સતત પ્રવૃત રહ્યાં છે. એમનું પ્રથમ કાવ્ય ‘કેર કર્યો છે કાળો’ ભજન રુએપે પ્રગટ થયેલું. જે ઇ.સ.1964માં ‘દિનબંધુ’માં પ્રગટ થયું. ત્યારબાદ જુદા જુદા સામયિકો જેવા કે ‘અજંપો’, ‘અભ્યુદય’, ‘હરિજનબંધુ’, ‘દલિતબંધુ’ ‘પ્રગતિ જ્યોત’, ‘તરસ’, ‘તમન્ના’, ‘જ્યોતિ’, ‘પરિષદ સમાચાર’, ‘આક્રોશ’, ‘કાળો સૂરજ’, ‘ક્રાંતિદીપ’, ‘સેવાદીપ’, ‘દિશા’, ‘નયામાર્ગ’, ‘સમાજમિત્ર’, ‘દલિતચેતના’ વગેરેમાં લગાતાર દલિત કવિતા, વાર્તાઓ અને લેખો પ્રગટ થતાં રહ્યાં છે. આ ઉપરાંત, ગુજરાતી સાહિત્યમાં અદલિત સામયિકો જેવા કે ‘કવિતા’, ‘કવિલોક’, ‘કુમાર’, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’, ’ઉદ્દેશ’, ‘ફાર્બસ ત્રૈમાસિક’, ‘ગઝલવિશ્વ’, ‘ધબક’ વગેરેમાં પણ એમની કવિતાઓ પ્રગટ થતે એરહી છે, તે જોતાં તેઓ ગુજરાતી સાહિત્યમાં સર્વસ્વીકૃત એવા કવિશ્રી તરીકે પોંખાયા છે. અનેક વિવેચકો જેવા કે, રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, નરોત્તમ પલાણ, પ્રવીણ દરજી, રમેશ પુરોહિત, ચિનુ મોદી, એસ.એસ.રાહી, હરીશ વટાવવાળા, મનોજ જોશી, મધુકાંત જોશી, ભી.ન.વણકર, નરસિંહ ઉજમબા વગેરી એમની રચનાઓને પ્રમાણી છે. એમની રચનાઓમાં વણકર, સાળ, પનો, તાણાવાણા, સૂતર, કાંતવું વગેરે વ્યાવસાયિક શબ્દો ડોકાય છે, તેનું કારણ આ કવિએ નાનપણમાં બાપદાદાનો ધંધો હાથવણાટ પર કામ કરેલું છે. આવા મહેનતકશ કવિ શ્રી શિવજી રુખડાની ઘણી કવિતાઓમાં બળૂકો રણકો ઉપસી આવેલો જોઇ શકાશે. હજીયે આ કવિ કવિતાઓ લખવામાં પ્રવૃત્ત છે. એટલે આ કવિનાં માનસમાં આકાર રહેલી અને બળૂકી રચનાઓ આપણને એ સંપડાવશે તેમાં કોઇ સંદેહ નથી.’ સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.3-4. (વર્ષ:7 અંક:2 સળંગ અંક:74, ડિસેમ્બર:2012.-માંથી સાભાર) ========================== શ્રી બબલદાસ ચાવડા. (બુધ્ધિધન વિસનગરી) જન્મતારીખ=તા.8 નવેમ્બર ઇ.સ.1922. જન્મસ્થળ=વિસનગર(જિ.મહેસાણા) વતન=વિસનગર. હાલનું સરનામું= સયાજી વિદ્યાર્થી આશ્રમ, રેલ્વે સ્ટેશન સામે, વિસનગર. અભ્યાસ=ગ્રેજ્યુએટ.(ઇ.સ.1949) સંપર્કસૂત્ર=02765-222754. પ્રકાશિત પુસ્તકો/પુસ્તિકાઓ વગેરે.=36 (છત્રીસ) પારિતોષિક=સંસ્થાકીય સામાજિક પ્રદાન બદલ સરકારી પ્રશસ્તિપત્ર, કાશ્મીરી શાલ ઓઢાડી બહુમાન અને ‘મહાત્મા ગાંધી’ એવોર્ડથી વિભૂષિત સને.2006માં સાથે રુ.1,00,000 (એક લાખ રુપિયા રોકડાં) વિશેષ=શ્રી બબલદાસ ચાવડા ઉર્ફે કવિ બુધ્ધિધન વિસનગરી ગુજરાતી સાહિત્યનાં ‘આદિ કવિ’ કહેવાય છે. એમણે એમ.એન.કોલેજ, વિસનગરમાં ભણતાં ભણતાં શ્રી હરિજન કેળવણી મંડળ સંચાલિત સયાજી વિદ્યાર્થી આશ્રમની તા.6-5-1946નાં રોજ સ્થાપના કરી. સામાજિક રીતે સંલગ્ન-જોડાયેલાં વિસનગર, ખેરાલું, વડનગર, સતલાસણા, વિજાપુર, મહેસાણા અને બનાસકાંઠાની અનુસૂચિત જાતિઓમાં 1949માં સૌપ્રથમ ગ્રેજ્યુએટ થયાં. દલિત રાઇટર્સ કોંફરંસ, હૈદ્રાબાદ(આંધ્રપ્રદેશ)માં સને 1987માં ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતનાં 19 રાજ્યોનાં બૂક સ્ટોલ્સનાં તેઓ ઉદઘાટક હતાં. મહૂ (મધ્યપ્રદેશ) ખાતે વિવિધ ક્ષેત્રનાં સંશોધકોનાં રાષ્ટ્રીય સેમિનારમાં ચેરપર્સન તરીકે ગૌરવ મેળવ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ તેઓએ જેવી રીતે નામના મેળવી છે તે રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇંટરનેશનલ બોર્ડ ઓફ બૂક્સ ફોર યંગ પીપલનાં સામયિકમાં ‘રાઇટર્સ એંડ ઇલસ્ટ્રેટર’માં તજજ્ઞો દ્વારાં પુસ્તકોની સમીક્ષાથી અલંકૃત થયા છે. સ્થાનિક કક્ષાએ તેઓ સમાજસેવકનાં રુપે પણ ઉભરી આવેલાં છે. વિસનગર, ખેરાલું અને વિજાપુર તાલુકાઓમાં અનુસૂચિત જાતિઓનું સ્વખર્ચે ઘનિષ્ઠ રીતે સામાજિક સર્વે કર્યું છે. તથા 1976માં ગુજરાઅ રાજ્યનાં અન્ય સ્થળોનું સેમ્પલ સર્વે પણ કર્યું હતું. તેઓ જેવા સમાજસેવી છે તેવા જ સાહિત્યસેવી છે. તેમનાં ઘણાં કાવ્યસંગ્રહો, નાટ્યસંગ્રહો અને વાર્તાસંગ્રહો પ્રગટ થયાં છે. તાજેતરમાં જ એમનાં પ્રગટ થયેલાં પુસ્તક ‘કરુણામૂર્તિ બુધ્ધ ભગવાન’નું તા.14-1-2010નાં રોજ વડનગર ખાતે પધારેલ બૌધ્ધ લામાઓનાં હાથે વિમોચન થયું. સાહિત્યક્ષેત્રે આ એક વિરલ ઐતિહાસિક ઘટના છે. તેઓ 1984માં શરુ કરેલ દલિત સાહિત્ય સંઘ, ગુજરાતનાં પ્રમુખ તરીકે સેવાઓ બજાવી રહ્યાં છે. સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:4 અંક:4 સળંગ અંક:40, ફેબ્રુઆરી:2010.-માંથી સાભાર) ========================== શ્રી નરેન્દ્ર વેગડા. જન્મતારીખ=6 નવેમ્બરઇ.સ.1964. જન્મસ્થળ અને વતન=સાવરકુંડલા. હાલનું સરનામું= ‘નિર્ઝર’ દુર્વેશનગર, જલારામ સોસાયટીની પાછળ, જૂનાગઢ 362001. અભ્યાસ=બી.કોમ./એલ/એલ.બી. વ્યવસાય=કલાર્ક, સ્ટેટ બેંક ઓફ ઇંડિયા. સંપર્કસૂત્ર=99796-41971 & 0285-2623517. પ્રકાશિત પુસ્તક= ઇ.સ.2006માં ‘તત્ક્ષણ’ કાવ્યસંગ્રહ. પારિતોષિક-મેઘવાળ સમાજ સમાધાન પંચ-જૂનાગઢ દ્વારાં જાહેર સન્માન.. વિશેષ=નરેન્દ્ર વેગડા માત્રને માત્ર કવિતાઓ લખે છે. વ્યવસાયે તેઓ બેંકર છે, બી.કોમ અને એલ.એલ.બી.થયેલાં છે. છતાં સાહિત્ય પ્રત્યેની પ્રીતિને કારણે તેઓ કવિતા લખતાં થયાં. કવિતા સિવાય કદાચ એમને બીજાં સાહિત્યસ્વરુપોમાં કા,અ કરવાનું ઉચિત નથી. ધીમી ગતિએ તેઓ સરસ કાવ્યોની રચનાઓ કરે છે. ઇ.સ.2006માં ‘તત્ક્ષણ’ એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહનું લોકાર્પણ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કરે તેવું નરસિંહભાઇ પઢિયારે ગોઠવી આપેલું. પરંતુ, એમનાં કાવ્યસંગ્રહનું શીર્ષક છે તેમ એમનાં કાવ્યસંગ્રહનું લોકાર્પણ ફટાફટ (તત્ક્ષણ) જ થઇ ગયેલું..નરેન્દ્ર વેગડાનાં આ કાવ્યસંગ્રહની ગઝલોને ઘણાં આસ્વાદકારોએ માણી છે. વખાણી છે. મનોહર ત્રિવેદી ‘તત્ક્ષણ’નાં કાવ્યોને બિરદાવતાં લખે છે : ‘દરેક શેઅર પોતીકો અંદાજ લઇને આવે તે ચમત્કારથી ભાવક વિસ્ફારિત થઇ જાય એવું પ્રતિભાનું કામણ એમાં પ્રગટશે ત્યારે આ કવિ ગઝલનાં કોઇ અવ્યક્ત પ્રદેશમાં હશે.’ શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી કેશુભાઇ દેસાઇ, શ્રી નીરવ પટેલ, પ્રો.ડો.ભી.ન.વણકર, શ્રી પ્રવીણ ગઢવી, ભારતી ભટ્ટ, હરીશ મજીઠિયા વગેરેએ આ સંગ્રહને અનેક સ્તરેથી તપાસ્યો છે. પ્રો.ડો.વીરુભાઇ પુરોહિતે ‘દિશા શોધતો મુગ્ધ પ્રયાસ’ શીર્ષક હેઠળ લખેલી પ્રસ્તાવનામાં ’50 ગઝલોમાંથી પસાર થવાનું થયું છે.ચુસ્ત બહુર પરસ્તી અને બહર વૈવિધ્ય શ્રી વેગડાની ગઝલનું આગવું લક્ષણ-આકર્ષણ ગણી શકાય એમ છે.’ તેમ કહીને પ્રો.ડો.વીરુભાઇ પુરોહિતે શ્રી નરેન્દ્ર વેગડાની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ ચીંધી બતાવી છે. વિવેચક ડો.પ્રવીણ દરજી ‘તત્ક્ષણ’ વિશે સ્પષ્ટપણે કહ્યું છે કે ‘ તમે અહીં કશુંક રમ્ય સિધ્ધ કરી શક્યા છો, તમારી સંવેદનાની ધાર પણ એવે સ્થળે નીકળે છે, તમારું પોતાપણું પણ ત્યાં પ્રગટી રહે છે.’ શ્રી નરેન્દ્ર વેગડાની ગઝલો વિશે ‘શબ્દસૃષ્ટિ’ મે-2-12નાં અંકમાં મોહન પરમારે લખ્યું છે કે, ‘શ્રી નરેન્દ્ર વેગડાન્યં નામ નવા અવાજોમાં લેવું પડે તેવી તેમની કાવ્યસાધના છે. એમની ગઝલોની રચનાભાત આધુનિક શૈલીની છે. ગઝલોમાં રદીફ-કાફિયાની કરામતમાં નાવીન્ય છે. એમની ગઝલોમાં આક્રોશ ઓછો પણ ઠંડા કલેજે કરેલાં વ્યંગ-કટાક્ષ પેલાં આક્રોશને અતિક્રમીને નવાં પરિમાણો સિધ્ધ કરે છે.’ મોહન પરમારનાં વિધાનો સાથે સહમત થવાય એવું છે તેનું કારણ એ છે કે ‘તત્ક્ષણ’ કાવ્યસંગ્રહ પછી એમની કાવ્યરચનાઓ દલિતકવિતામાં જુદી ભાત પાડતી જણાઇ છે. દલિત-અદલિત બંન્ને રચનાઓ કરતાં આ કવિ સામાજિક દૂષણો સામે પ્રતિકાર કરતાં જણાય છે. સમાજમાં પ્રવર્તતા અનૈતિક આચરણો સામે પણ લાલબતી ધરે છે, પણ આવા બધા વાસ્તવનાં પડળો ખોલતે વખતે તે કવિતાનાં સૌંદર્યને જાળવે રાખે છે. એ એમનું જમા પાસું છે. નરેન્દ્ર વેગડાની કાવ્યસાધના હજી નવાં નવાં સંવેદનો પ્રગટાવીને પોતાની આભાને વિસ્તારશે તેવી અપેક્ષા અસ્થાને નથી.. સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:6 અંક:8 સળંગ અંક:68, જૂન:2012.-માંથી સાભાર) ========================== શ્રી પુરુષોત્તમ જાદવ. જન્મતારીખ-11 ડિસેમ્બર ઇ.સ.1960. જન્મસ્થળ-અમદાવાદ, વતન-જામળા(જિ.મહેસાણા) હાલનું સરનામું=’ઇલાનિકેતન’ 1245/2 સેકટર-4/સી. ગાંધીનગર-382006. અભ્યાસ-બી.એ. વ્યવસાય-સચિવાલય ગાંધીનગર ખાતે સરકારી ઓફિસરશ્રી. સંપર્ક-મો.93271-79557. પ્રકાશિત પુસ્તકો= બે કાવ્યસંગ્રહો થાય એટલાં કાવ્યો પ્રગટ, દલિત સાહિત્યને લગતાં અનેક લખાણો પ્રગટ થયાં છે, પ્રથમ પુસ્તક ક્યારે પ્રગટ તાય તે નક્કી નહીં, પણ શ્રી પુરુષોત્તમ જાદવ પોતાની દલિત કવિ અને લેખક તરીકે આગવી ઓળખ ઉભી કરી શક્યા છે.. વિશેષ નોંધ=પુરુષોત્તમ જાદવ મુખ્યત્વે કવિજીવ છે. સમાજમાં થતાં અભ્યાયો સામે પ્રતિકાર રુપે એમનામાં દલિત કવિતા જન્મી છે. ઇ.સ.1981 તથા ઇ.સ.1985માં અનામત વિરોધી તોફાનોવખતે જ એમણે દલિત કવિતાઓ લખવાની શરુઆત કરેલી, ઇ.સ.1985માં એમણે પ્રથમ દલિત કવિતા ‘દિશા’ સામયિકમાં પ્રસિધ્ધ કરી. આ પ્રથમ કવિતાથી જ પુરુષોત્તમ જાદવની ઓળખ સ્થાપિત થઇ ગઇ હતી. એક હોનહાર દલિત કવિ દલિત કવિતાને મલ્યો. ઇ.સ.1985 પછી સંજોગોવશાત વધુ દલિત કવિતાઓ લખી શક્યા નહીં, ઇ.સ.1994માં સુધી એમણે વિરામ કર્યો. ઇ.સ.1994 પછી એમની કાવ્યધારા અસ્ખલિત વહેતી રહી છે. અનેક ઉત્તમ પ્રકારની દલિત કવિતાઓ લખી તેઓ સતત ધ્યાન ખેંચતા રહ્યા છે. કોલેજકાળ દરમિયાનથી એમનાં અંતરમાં સાહિત્યનાં બીજ રોપાયાં હતાં. ઇ.સ.1979માં કોલેજકાળ દરમિયાન એમણે લલિત કવિતાનો કક્કો ઘૂંટેલો. ઇ.સ.1981માં એમનું પહેલું લખાણ નિબંધ સ્વરુપે પ્રગટ્યું, જે ગુજરાત કોલેજનાં મુખપત્ર ‘વિદ્યાવિકાસ’માં પ્રથમ સ્થાન પામ્યું. પુરુષોત્તમ જાદવનું જીવન અમદાવાદની ચાલીમાં પસાર થયેલું. દલિતોની અનેક પેટાજાતિઓ વચ્ચે એ ઉછેર્યા છે, જેથી એમનામાં જાતિગત ભેદભાવ જરાય નથી. એટલે તો તેઓ કવિતાઓ દ્વારાં સમાનતાનો હક માગે છે. પુરુષોત્તમ જાદવ ડો.બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને વરેલાં છે. ડો.બાબાસાહેબ આંબેડકસાહેબે ચિંધેલાં માર્ગે ચાલતાં એ સહેજે અચકાતા નથી. પુરુષોત્તમ જાદવે દલિત કવિતાની વિવિધ છટાઓ દ્વારાં દલિત કવિતાને નવો રાહ ચીંધ્યો છે. બે કાવ્યસંગ્રહ થાય એટલી કવિતાઇ પ્રગટ કર્યા છતાંયે એ હજી કાવ્યસંગ્રહ કરવા જેટલી ધીરજ ગુમાવી બેઠા નથી. એમનો કાવ્યસંગ્રહ પ્રગટ થશે ત્યારે સાચે જ દલિત કવિતામાં નવા પ્રાણ સીંચશે. એમનાં કવિશબ્દમાં જબરજસ્ત તકાત છે આ કવિ શબ્દરુપે અન્યાય કરનારને વીંધી નાંખે છે, એટલે તે એ કહે છે : ‘ભલે મારી પાસે બંધૂક નથી, પણ કવિતા તો છે’. આવા વિલક્ષણ અને અનેક પ્રકારની શક્યતાઓ ધરાવતાં દલિત કવિને સાહિત્ય પરમારની ‘વ્યથાપચ્ચીસી’ કાવ્યસંગ્રહ અને લક્ષ્મણ ગાયકવાડની ‘ઉચલ્યા’ (ઉઠાવગીર) કૃતિઓ ગમે છે. દલિત સાહિત્યકારોમાં મોહન પરમાર અને નીરવ પટેલ એમનાં ગમતાં સાહિત્યકારો છે. લલિત સાહિત્યકારમાં હજી પુરુષોત્તમ જાદવને ગમે તેવો સાહિત્યકાર પેદા થયો નથી. અગાઉ કહ્યું તેમ પુરુષોત્તમ જાદવનો ઉછેર દલિત-મુસ્લિમ મિશ્રિત વાતાવરણમાં થયેલો છે. તેમણે અનુભવ્યું છે કે મુસ્લિમો દલિતો પ્રત્યે ભેદભાવ રાખતાં નથી, મુસલમાનોએ દલિતોને ડરાવ્યાં હોય એવું એમનાં સ્મરણમાં નથી. વિશેષમાં ‘પગનું કાં’ક કરો’ એમની જાણીતી અને ઉત્તમ રચના છે. આ રચના દ્વારાં પુરુષોત્તમ જાદવ વિવિધ રુચિઓ ધરાવતાં સાહિત્ય રસિકોમાં પોખાયા. દિવંગત શ્રી જયંત કોઠારીએ ઉક્ત કવિતા સંદર્ભે પત્રમાં ભરપેટ વખાણ કરેલાં. તો દિવંગત શ્રી દિગીશ મહેતાએ પત્રમાં કાવ્યમાંના કેટલાંક શબ્દોનાં અર્થ પૂછ્યાં હતાં. અને આ કવિતાનો અંગ્રેજીમાં અનુવાદ કરી ઇંટરનેટ પરની કાવ્ય સ્પર્ધામાં પણ મૂક્યું હોવાની કવિને જાણ કરેલી.. આવા હોનહાર દલિત કવિ શ્રી પુરુષોત્તમ જાદવ વિશે તો ઘણું કહી શકાય તેમ છે એમની કાવ્યરચનાઓ ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહી છે. તે ક્યારેય મૂરઝાય નહીં તેવી ‘દલિતચેતના’ અપેક્ષા રાખે છે. હવે સત્વરે એમનો કાવ્યસંગ્રહ ગુજરાતી દલિત સાહિત્યમાં અવતરે તેવી અપેક્ષા છે.. સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:6 અંક:9 સળંગ અંક:69, જુલાઇ:2012.-માંથી સાભાર) ====================== શ્રી એ.કે.ડોડિયા. જન્મતારીખ=11 ફેબ્રુઆરી ઇ.સ.1951. જન્મસ્થળ=અમદાવાદ. હાલનું સરનામું= 45, સેજલનગર સોસાયટી, (સુમીનપાર્ક), જી.ડી.હાઇસ્કૂલ રોડ, સૈજપુર બોધા, અમદાવાદ-382345. અભ્યાસ=બી.એ.(અર્થશાસ્ત્ર) વ્યવસાય=બી.એસ.એન.એલ..(રિટાયર તા.28-2-2011) સંપર્કસૂત્ર=94291-28384. પ્રકાશિત પુસ્તકો= (1) ‘સૂર્યોન્મુખ’ (દલિતકાવ્યસંગ્રહ) (2) ‘મસીહા’ (દલિત કાવ્યસંગ્રહ) (3) ‘ઝંખનામાં સૂર્ય’ (દલિત કાવ્યસંગ્ર્હ) મળેલાં પારિતોષિકો= (1) ગુજરાત સાહિત્ય સંગમ દ્વારાં 2001માં ‘મુક્તિબોધ’ એવોર્ડ. (2) દલિત સાહિત્ય અકાદમી અને બીજી સંસ્થાઓ દ્વારાં ‘મસીહા’ કાવ્યસંગ્રહને શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનો ‘શ્રી ચીમનભાઇ પટેલ એવોર્ડ’. (3) ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારાં કાવ્યસંગ્રહ ‘મસીહા’ ને 2008-2009નો ‘દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ’. વિશેષ નોંધ=શ્રી એ.કે.ડોડિયાનાં ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયાં છે. દલિત કાવ્યધારાનાં વિકાસમાં શ્રી ડોડિયાનો ફાળો મહત્વપૂર્ણ છે. તેઓની કવિતામાં આક્રોશ-વિદ્રોહ ભાગ્યે જ કોઇને કઠે તે પ્રકારનો હોય છે, છતાંય જે વેધકતાથી એ કાવ્યમાં અર્થનું સંક્રમન કરે છે. તે વખાણવાલાયક છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂર્યોન્મુખ’ ઇ.સ.1999માં પ્રગટ થયો તે પૂર્વે તેમની કવિતાઓ જુદા જુદા સામયિકોમાં પ્રગટ થઇ રહી હતી. તેમની પ્રથમ કવિતા ‘કોને માટે આ આઝાદી’ ઇ.સ.1972માં મુંબઇથી પ્રકાશિત થતાં ‘પુનરુત્થાન’ નામનાં સામયિકમાં પ્રગટ થઇ હતી. ઇ.સ.1972થી ઇ.સ.1975 દરમિયાન એમણે ઘણી કવિતાઓ લખી, પરંતુ, ઇ.સ.1975 પછી તેમનું લેખનકાર્ય અટકી ગયું. તે ઇ.સ.1981માં અનામત વિરોધી તોફાનો વખતે પુન: શરુ થયું. તેમની કવિતાઓ જોતાં લાગે છે કે તેમની પ્રતિબધ્ધતા માનવીય ગૌરવ સાથે જોડાયેલી છે. કવિતામાં કલાનાં માપદંડો કરતાંય એમને કરોડો દલિત-પીડિત નરનારીની વ્યથાને વાચા મળે તેવા માપદંડો વધારે માફક આવ્યાં છે. સાહિત્ય પ્રત્યેની રુચિ કેળવાઇ ત્યારથી જ એમનો ઝોક કવિતા તરફ વિશેષ રહ્યો છે. નાનપણમાં પ્રેમાનંદ, નરસિંહ, મીરાં, કલાપી, મેઘાણી, ઉમાશંકર, સુંદરમ, મરીઝ, શ્યામ સાધુ જેવાં એમને ગમતાં ગુજરાતી કવિઓની કવિતાઓ વાંચવાનો વિશેષ શોખ રહ્યો, સાથે જ ઉર્દૂ કવિઓમાં ફિરાક ગોરખપુરી, ફેઝ અહમદ ફૈઝ, જીગર મુરાદાબાદી, ગાલીબ, શકીલ, સાહિર તો હિન્દીનાં નીરજ, ધૂમિલ, દુષ્યંતકુમાર તો પંજાબનાં અમૃતા પ્રિતમ જેવાં દિગ્ગજોનાં ભાવજગતને એમણે માણ્યું છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂર્યોન્મુખ’ વાંચીને લાભશંકર ઠાકરે રાજીપો વ્યક્ત કરતાં લખ્યું ‘તમારી સર્જકતા ગઝલ, નઝમ, અછાંદસ રુપોમાં પ્રગટ થાય છે. તમારા કાવ્યો વાંચ્યા. તમારી લયચેતના અને ભાવચેતના કવિતા છે. સ્થળકાળ સાપેક્ષ ઉર્મિવિચાર જેટલા ઓગળીને મનુષ્ય માત્રનાં ભાવને પ્રગટ કરતાં થાય તેટલી કવિતા વધારે કાવ્યત્વ ધારણ કરે છે.તમારામાં એવી શક્તિ જોવા મળે છે.’ લાભશંકરનાં રાજીપા સાથે કિસન સોસા સૂર પુરાવે છે. ‘શ્રી એ.કે.ડોડિયા સૂર્યોન્મુખ કવિ છે. કવિનું મુખ સૂર્ય તરફ હોવાને કારણે તેમનાં શબ્દોમાં આગ છે. ઉજાશ છે’ કિસન સોસાએ તો ‘સૂર્યોન્મુખ’ કાવ્યસંગ્ર્હ સંદર્ભે આ ઉદગારો કાઢ્યાં છે. પર6તુ, શ્રી ડોડિયાનાં ત્રણ કાવ્યસંગ્રહોની કાવ્યરચનાઓ જોતાં જણાય છે કે તેમનાં કાવ્યોમાં પ્રગટેલાં ઉજાશને કારણે ગુજરાતી દલિત કવિતામાં તેઓ મોખરાનાં કવિઓમાં સ્થાન નિશ્ચિત કરે છે. તેઓ સાહિત્ય જગતમાં પ્રવેશ્યા ત્યારથી તેમની શ્રધ્ધા ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિ રહી છે. જેને કારણે તો તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘મસીહા’માં ડો.બાબાસાહેબ આંબેડકરનાં જીવન-કવનને શબ્દદેહે વ્યક્ત કરે છે. ડો.આંબેડકરને દલિત સાહિત્યનાં ‘મસીહા’ ગણીને તમામે તમામ કાવ્યરચનાઓમા એમણે બાબાસાહેબને અમર કરી દીધાં છે. દલિત સાહિત્યમાં આક્રોશ, વિદ્રોહ, વ્યથા, પીડા, વેદના તો અનેક કવિઓમાં તારસ્વરે રજૂ થઇ, પણ આ જાતનું ભગીરથ કાર્ય તો શ્રી એ.કે.ડોડિયાએ ગુજરાતી દલિત સાહિત્યમાં પ્રથમવાર કર્યું છે.’ સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:5 અંક:9 સળંગ અંક:57, જુલાઇ:2011.-માંથી સાભાર) ==============================
Comments
Post a Comment