ગુજરાતી દલિત કવિશ્રી નરેન્દ્ર વેગડા-જૂનાગઢ
શ્રી નરેન્દ્ર વેગડા. જન્મતારીખ=6 નવેમ્બરઇ.સ.1964. જન્મસ્થળ અને વતન=સાવરકુંડલા. હાલનું સરનામું= ‘નિર્ઝર’ દુર્વેશનગર, જલારામ સોસાયટીની પાછળ, જૂનાગઢ 362001. અભ્યાસ=બી.કોમ./એલ/એલ.બી. વ્યવસાય=કલાર્ક, સ્ટેટ બેંક ઓફ ઇંડિયા. સંપર્કસૂત્ર=99796-41971 & 0285-2623517. પ્રકાશિત પુસ્તક= ઇ.સ.2006માં ‘તત્ક્ષણ’ કાવ્યસંગ્રહ. પારિતોષિક-મેઘવાળ સમાજ સમાધાન પંચ-જૂનાગઢ દ્વારાં જાહેર સન્માન.. વિશેષ=નરેન્દ્ર વેગડા માત્રને માત્ર કવિતાઓ લખે છે. વ્યવસાયે તેઓ બેંકર છે, બી.કોમ અને એલ.એલ.બી.થયેલાં છે. છતાં સાહિત્ય પ્રત્યેની પ્રીતિને કારણે તેઓ કવિતા લખતાં થયાં. કવિતા સિવાય કદાચ એમને બીજાં સાહિત્યસ્વરુપોમાં કા,અ કરવાનું ઉચિત નથી. ધીમી ગતિએ તેઓ સરસ કાવ્યોની રચનાઓ કરે છે. ઇ.સ.2006માં ‘તત્ક્ષણ’ એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહનું લોકાર્પણ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કરે તેવું નરસિંહભાઇ પઢિયારે ગોઠવી આપેલું. પરંતુ, એમનાં કાવ્યસંગ્રહનું શીર્ષક છે તેમ એમનાં કાવ્યસંગ્રહનું લોકાર્પણ ફટાફટ (તત્ક્ષણ) જ થઇ ગયેલું..નરેન્દ્ર વેગડાનાં આ કાવ્યસંગ્રહની ગઝલોને ઘણાં આસ્વાદકારોએ માણી છે. વખાણી છે. મનોહર ત્રિવેદી ‘તત્ક્ષણ’નાં કાવ્યોને બિરદાવતાં લખે છે : ‘દરેક શેઅર પોતીકો અંદાજ લઇને આવે તે ચમત્કારથી ભાવક વિસ્ફારિત થઇ જાય એવું પ્રતિભાનું કામણ એમાં પ્રગટશે ત્યારે આ કવિ ગઝલનાં કોઇ અવ્યક્ત પ્રદેશમાં હશે.’ શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી કેશુભાઇ દેસાઇ, શ્રી નીરવ પટેલ, પ્રો.ડો.ભી.ન.વણકર, શ્રી પ્રવીણ ગઢવી, ભારતી ભટ્ટ, હરીશ મજીઠિયા વગેરેએ આ સંગ્રહને અનેક સ્તરેથી તપાસ્યો છે. પ્રો.ડો.વીરુભાઇ પુરોહિતે ‘દિશા શોધતો મુગ્ધ પ્રયાસ’ શીર્ષક હેઠળ લખેલી પ્રસ્તાવનામાં ’50 ગઝલોમાંથી પસાર થવાનું થયું છે.ચુસ્ત બહુર પરસ્તી અને બહર વૈવિધ્ય શ્રી વેગડાની ગઝલનું આગવું લક્ષણ-આકર્ષણ ગણી શકાય એમ છે.’ તેમ કહીને પ્રો.ડો.વીરુભાઇ પુરોહિતે શ્રી નરેન્દ્ર વેગડાની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ ચીંધી બતાવી છે. વિવેચક ડો.પ્રવીણ દરજી ‘તત્ક્ષણ’ વિશે સ્પષ્ટપણે કહ્યું છે કે ‘ તમે અહીં કશુંક રમ્ય સિધ્ધ કરી શક્યા છો, તમારી સંવેદનાની ધાર પણ એવે સ્થળે નીકળે છે, તમારું પોતાપણું પણ ત્યાં પ્રગટી રહે છે.’ શ્રી નરેન્દ્ર વેગડાની ગઝલો વિશે ‘શબ્દસૃષ્ટિ’ મે-2-12નાં અંકમાં મોહન પરમારે લખ્યું છે કે, ‘શ્રી નરેન્દ્ર વેગડાન્યં નામ નવા અવાજોમાં લેવું પડે તેવી તેમની કાવ્યસાધના છે. એમની ગઝલોની રચનાભાત આધુનિક શૈલીની છે. ગઝલોમાં રદીફ-કાફિયાની કરામતમાં નાવીન્ય છે. એમની ગઝલોમાં આક્રોશ ઓછો પણ ઠંડા કલેજે કરેલાં વ્યંગ-કટાક્ષ પેલાં આક્રોશને અતિક્રમીને નવાં પરિમાણો સિધ્ધ કરે છે.’ મોહન પરમારનાં વિધાનો સાથે સહમત થવાય એવું છે તેનું કારણ એ છે કે ‘તત્ક્ષણ’ કાવ્યસંગ્રહ પછી એમની કાવ્યરચનાઓ દલિતકવિતામાં જુદી ભાત પાડતી જણાઇ છે. દલિત-અદલિત બંન્ને રચનાઓ કરતાં આ કવિ સામાજિક દૂષણો સામે પ્રતિકાર કરતાં જણાય છે. સમાજમાં પ્રવર્તતા અનૈતિક આચરણો સામે પણ લાલબતી ધરે છે, પણ આવા બધા વાસ્તવનાં પડળો ખોલતે વખતે તે કવિતાનાં સૌંદર્યને જાળવે રાખે છે. એ એમનું જમા પાસું છે. નરેન્દ્ર વેગડાની કાવ્યસાધના હજી નવાં નવાં સંવેદનો પ્રગટાવીને પોતાની આભાને વિસ્તારશે તેવી અપેક્ષા અસ્થાને નથી.. સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:6 અંક:8 સળંગ અંક:68, જૂન:2012.-માંથી સાભાર) ==========================
Comments
Post a Comment