દલિત સર્જકશ્રી કાંતિલાલ ડા.મકવાણા 'કાતિલ'
દલિત સર્જકશ્રી કાંતિલાલ ડા.મકવાણા ‘કાતિલ’. જન્મતારીખ-9 ઓકટોમ્બર ઇ.સ.1952. જન્મસ્થળ-અમદાવાદ. વતન-મૂળચંદ (તા.વઢવાણ. જિ.સુરેન્દ્રનગર) હાલનું વતન=12, ઉત્તરા સોસાયટી, કલેકટર કચેરીની બાજુમાં, ગાંધીઆશ્રમ, અમદાવાદ. 380002. અભ્યાસ-બી.એ.(ગુજરાતી) એમ.એ.(સમાજમાનવશાસ્ત્ર), એમ.ફીલ.(સમાજમાનવશાસ્ત્ર) વ્યવસાય=સંશોધન અધિકારી, આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ. સંપર્કસૂત્ર=99244-91017, પ્રકાશિત પુસ્તકો= (1) ‘સત રે બોલો નહીંતર મત બોલો’ (કાવ્યસંગ્રહ) (2) ‘કાતિલ કવિતા’ (કાવ્યસંગ્રહ) (3) ’10 અતિપછાત અનુસૂચિત જાતિઓનો સંક્ષિપ્ત પરિચય’’ ઇ.સ.1991-(સંશોધનગ્રંથ) (4) ‘આદમ ઇતિહાસ પરિષદ, પ્રથમ અધિવેશન અહેવાલ’ ઇ.સ.1993-(સંશોધન અહેવાલ)’ (5) ‘અનુસૂચિત જાતિ પર થતાં અત્યાચારો અને તેને અટકાવવાનાં ઉપાયો’ ઇ.સ.1993.(સંપાદનગ્રંથ) (6) ‘આદિવાસી વિકાસ:પ્રશ્નો અને પડકારો’ ઇ.સ.2004 (સંપાદનગ્રંથ) મળેલાં પારિતોષિક= (1) ‘ઇની માનઅ કૂતરા રાખઅ’ પ્રથમ-દલિત કવિતા કેન્દ્ર. (2) માણસને કેન્દ્રમાં રાખીને લખાતી કવિતા સ્પર્ધામાં ‘બારમા ખેલાડી’ પ્રથમ નંબરે.. (3) 2010માં યોજાયેલ આદિવાસી કલા મહોત્સવમાં યોજાયેલી કાવ્યસ્પર્ધામાં ‘સ્થળાંતરિત આદિવાસી યુવતીનું ગીત’ કાવ્યને દ્વિતિય નંબર મળ્યો.. (4) આભડછેટ (એકાંકી) (5) ભારતીય દલિત સાહિત્ય અકાદમી નવી દિલ્હી તરફથી ‘ડો.આંબેડકર ફેલોશીપ’નાં રુપમાં ચંદ્રક અને પ્રમાણપત્ર. તા.6 ડિસેમ્બર 1989 રોજ દિલ્હી મુકામે ઉપરાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માનાં વરદહસ્તે એનાયત થયાં.. (6) વડોદરા મુકામે સિધ્ધાર્થ સેવા ટ્રસ્ટ દ્વારાં એમ.એસ.યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દ્વારં 12-4-2000નાં રોજ કાવ્યપઠન રાખી બહુમાન કર્યું હતું. વિશેષ નોંધ= કાંતિલાલ મકવાણા ‘કાતિલ’ મુખ્યત્વે કવિ છે. ઘણાં વખતથી કવિતાઓ લખે છે. એમની કવિતાઓ ગુજરાતી દલિત સાહિત્ય જગતમાં માનભેર ઉભી રહી શકે તેવી છે. દલિત કવિતા નિમિત્તે માનવજીવનનાં જુદાં-જુદાં સંદર્ભોને સ્પર્શીને નવું-નોખું સંવેદન પ્રગટાવે છે. કવિતાની સમાંતરે એમણે કેટલીક ધ્યાનપાત્ર વાર્તાઓ પણ લખી છે. તેઓ સંશોધક તરીકે પણ અગ્રેસર રહ્યાં છે. એમનાં સંશોધનત્મક લખાણોમાં તેઓ પાયાનાં પ્રશ્નોની છણાવટ કરે છે. આમેય, ગુજરાત વિદ્યાપીઠમાં આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રમાં સંશોધન અધિકારી તરીકે ફરજ બજાવે છે. આ તાલીમ કેન્દ્રમાં રહીને જુદા-જુદા વિષયો ઉપર એમણે સંશોધનકાર્યો કર્યા છે. અનુસૂચિત જાતિનાં જુદા-જુદાં વિષયો ઉપર 200થી વધુ પાનાનું પુસ્તક થાય તેવા 39 સંશોધનત્મક અહેવાલો રાજ્ય સરકારને સુપ્રત કરેલ છે. આ સંશોધનમાં અનુસૂચિત જાતિની અતિપછાત જાતિઓ જેવી કે, નાડિયા, હાડી, તીરગર, સેનમા, ખોરી, માતંગ, ગરો, તૂરીબારોટ, બારોટ, વાલ્મિકી, સાધુ વગેરેનો વિકાસલક્ષી સમાજ-માનવ શાસ્ત્રીય અભ્યાસ કરેલ છે. શ્રી ‘ક્રાંતિલ’ની રગોમાં કવિતા વહી રહી છે તેવી જ રીતે સામાજિક ઉત્થાન માટે પણ તેઓ કાર્યરત છે. રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાએ અનુસૂચિત જાતિ તથા જનજાતિ ઉપર યોજાતી કાર્યગોષ્ઠિમાં 25 જેટલાં લેખો લખીને દલિત સમસ્યાઓની ધારદાર રજૂઆત કરેલ છે. દલિતોની સમસ્યાઓને તેમને થતાં અન્યાયોમાં રસ લઇને સામાજિક પરિવર્તન આવે તેવા લેખો તો એમણે લખ્યાં છે. પરંતુ, સાહિત્ય સાથે નિસ્બત ધરાવે તેવા લેખો લખીને તેમને વિવેચનાત્મક સૂઝ પણ બતાવી છે. દા.ત.(1) ‘દલિત’ સાહિત્યકારો અને સામાજિક પરિવર્તન’. (2) ‘દલિત સાહિત્ય એટલે મહુડાનું બી’. (3) ‘દલિત સાહિત્યની આજ અને આવતીકાલ’. જેવાં લેખોમાં તેમની દલિત સાહિત્ય પરત્વેની પ્રતિબધ્ધતા પ્રગટ થાય છે. એમની સાચી પ્રતિબધ્ધતા દલિત કવિતા લખવામાં છે. ગુજરાતી દલિત કવિતામાં દલિત પીડિત-શોષિત નારીની વેદના ચોટદાર રીતે વ્યક્ત કરે છે. જુદી-જુદી પેટા જાતિઓની નારીઓમાં પ્રગટતું સંવેદન એમની કવિતામાં ધારદાર બનીને ઉપસી આવે છે. ‘કાગળ વીણતી કન્યાનું ગીત’, ‘કાંખમઅ ડબો ન હાથમઅ સ ઝાડું’, ‘વાલમને ફરિયાદ’, ‘પહેલી રાત’, ‘મિલ કામદારનું મૃત્યુગીત’, ‘સ્થળાંતરિત આદિવાસી યુવતીનું ગીત’ જેવાં કાવ્યોમાં નારી સંવેદના પ્રગટ થાય છે. દલિત-પીડિત-શોષિતોનાં હૂબહૂ ચિત્રણો પણ એમની કવિતામાં લાવી શક્યા છે. એમનાં કાવ્યસંગ્રહ ‘સત રે બોલો નહીંતર મત બોલો’ની જેમ સાચું કહેલું હોય તો એમ કહી શકાય કે કાવ્યત્વની માવજત અને ધારદાર સંવેદનને લીધે બળકટ બની આવેલાં તેમનાં કાવ્યોની યથાયોગ્ય નોંધ લેવામાં દલિત વિવેચકો પાછા પડ્યાં છે.’ લે.મનોજ પરમાર. ‘સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:5 અંક:6 સળંગ અંક:54, એપ્રિલ:2011.-માંથી સાભાર) ============================
Comments
Post a Comment