ગુજરાતી દલિત સર્જક શ્રી મનીષ પરમાર.

ગુજરાતી દલિત સર્જક શ્રી મનીષ પરમાર. જન્મતારીખ=5 નવેમ્બર 1956, જન્મસ્થળ-વાવડી(ગઢ), જિ.મહેસાણા. હાલનું સરનામું=મું.વાવડી, પો.ધરોઇ કોલોની-384360 જિ.મહેસાણા. અભ્યાસ=એફ.વાય.બી.એ..(હ.કા.આર્ટસ કોલેજ) વ્યવસાય=સામાન્ય લઘુ ખેતી. સંપર્કસૂત્ર-97125-64294. પ્રકાશિત પુસ્તક-‘ગોરંભો’ (ઇ.સ.1994) મળેલા પારિતોષિક- (1) ‘ગોરંભો’ ને ગાંધીનગર ગિરાગુર્જરી એવોર્ડ-1994 (ક.લા.ગુર્જરી મુંબઇ) (2) વિશ્રામ ‘કવિતા ક્યારી’નું પ્રથમ ચારણીયા પારિતોષિક. (3) ‘તાદર્શ્ય’માં વર્ષભરના કાવ્યોમાંથી શ્રેષ્ઠ સ્વ.બાલુભાઇ પટેલ પારિતોષિક. (4) ‘બી.કેશરશિવમ’ વર્ષભરનાં કાવ્યોમાં શ્રેષ્ઠ. વિશેષ નોંધ= એક નાનકડા ગામડામાં રહીને કાવ્યસાધના કરતાં શ્રી મનીષ પરમાર મુખ્યત્વે ગઝલકાર છે. ગુજરાતનાં લગભગ મોટાભાગનાં ખ્યાત-અલ્પખ્યાત સામયિકોમાં એમની ગઝલો પ્રસિધ્ધ થતી રહી છે. એમની ગઝલનો મિજાજ જુદા પ્રકારનો છે. એમની ગઝલ રદિફ-કાફિયાની નવીનતાને કારણે અને સૂક્ષ્મ સંવેદનને કારણે અન્ય દલિત કવિઓ કરતાં નોખી તરી આવે છે. મનીષ પરમારનાં કાવ્યો અદલિત સંવેદનાને સ્પર્શે છે. પરંતુ; ઘણી ગઝલોમાં એમણે દલિત સમસ્યાઓને લઇને ધારદાર સંવેદન પ્રગટાવ્યું છે. ગુજરાતી સાહિત્યનાં લગભગ ત્રીસેક જેટલાં કાવ્યનાં સંપાદનોમાં એમની કવિતા પસંદગી પામી છે. આ ઘટના જ દર્શાવે છે કે તેઓ કવિ તરીકે કેઋલાં બધા ખમતીધર છે. એમનાં કાવ્યસંગ્રહ ‘ગોરંભો’ને ગુજરાતી સાહિત્યમાં સારો એવો આવકાર મળ્યો છે. ગુજરાતી ગઝલ સાહિત્યમાં છેલ્લા ઘણાં વર્ષોથી કેટલાંક કવિઓ કાર્યરત છે, તેમાં મનીષ પરમારનું નામ અચૂક લેવું જ પડે તેવી એમની ગઝલ સાધના છે. દલિત કવિઓમાં શ્યામ સાધુ અને કિસન સોસા પચી મનીષ પરમાર નોંધપાત્ર દલિત કવિ છે. એમની ગઝલ-રીતિની વિષિષ્ટતા જોતાં એમની જોઇએ તેવી નોંધ લેવાઇ નથી. શ્રી મનીષ પરમાર એક શાંત પ્રકૃતિનાં કવિ છે. જીવનમાં અનેક પ્રકારનાં સંઘર્ષોનો સામનો કરતાં કરતાં તેઓ કવિતા સાથે નાતો જાળવી શક્યા છે. આમ, જોઇએ તો એ વ્યથા-પીડાનાં કવિ છે. એમને કવિતાઓમાં એક છૂપું દર્દ છૂપાયેલું છે. ગઝલમાં દર્દભરી દાસ્તાનને શ્યામ સાધુ પછી કોઇ કવિ લાવી શક્યા હોય તો તે મનીષ પરમાર છે. રાધેશ્યામ શર્મા, રમણલાલ જોષી, રાજેશ વ્યાસ ‘મિસ્કિન’, ભી.ન.વણકર જેવાં અનેક વિવેચકોએ એમની ગઝલ વિશે ખુલ્લા દિલે પ્રકાશ પાડ્યો છે. હજી પણ એમની ગઝલમા નવોન્મેષશાળી તત્વો સામેલ થતાં જ રહે છે. એમનાં ગઝલસંગ્રહ ‘ગોરંભો’ ગઝલમાં દલિતની વ્યથાકથા, પીડા યાતનાભર્યું દર્દ ઘૂંટાઇને બહાર આવ્યું છે. ‘જવાબો લખું’ એ ગઝલ એનો ઉત્તમ નમૂનો છે. કાવ્યસ્વરુપમાં ગઝલ સાથે પનારો પાડીને લખનાર આ કવિ દલિત-લલિત બંન્ને ધારાઓમાં ઉત્તમ રચનાઓ આપી ચૂક્યા છે. હજી પણ એમની પાસેથી સમાજને ઢંઢૉળી નાખે તેવી ગઝલો મળવાની સંભાવના છે. લે.મનોજ પરમાર. સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:5 અંક:10 સળંગ અંક:58, ઓગસ્ટ:2011.-માંથી સાભાર) ============================

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા