દલિત કવિશ્રી એ.કે.ડોડિયા.
શ્રી એ.કે.ડોડિયા. જન્મતારીખ=11 ફેબ્રુઆરી ઇ.સ.1951. જન્મસ્થળ=અમદાવાદ. હાલનું સરનામું= 45, સેજલનગર સોસાયટી, (સુમીનપાર્ક), જી.ડી.હાઇસ્કૂલ રોડ, સૈજપુર બોધા, અમદાવાદ-382345. અભ્યાસ=બી.એ.(અર્થશાસ્ત્ર) વ્યવસાય=બી.એસ.એન.એલ..(રિટાયર તા.28-2-2011) સંપર્કસૂત્ર=94291-28384. પ્રકાશિત પુસ્તકો= (1) ‘સૂર્યોન્મુખ’ (દલિતકાવ્યસંગ્રહ) (2) ‘મસીહા’ (દલિત કાવ્યસંગ્રહ) (3) ‘ઝંખનામાં સૂર્ય’ (દલિત કાવ્યસંગ્ર્હ) મળેલાં પારિતોષિકો= (1) ગુજરાત સાહિત્ય સંગમ દ્વારાં 2001માં ‘મુક્તિબોધ’ એવોર્ડ. (2) દલિત સાહિત્ય અકાદમી અને બીજી સંસ્થાઓ દ્વારાં ‘મસીહા’ કાવ્યસંગ્રહને શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનો ‘શ્રી ચીમનભાઇ પટેલ એવોર્ડ’. (3) ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારાં કાવ્યસંગ્રહ ‘મસીહા’ ને 2008-2009નો ‘દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્યકૃતિ એવોર્ડ’. વિશેષ નોંધ=શ્રી એ.કે.ડોડિયાનાં ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયાં છે. દલિત કાવ્યધારાનાં વિકાસમાં શ્રી ડોડિયાનો ફાળો મહત્વપૂર્ણ છે. તેઓની કવિતામાં આક્રોશ-વિદ્રોહ ભાગ્યે જ કોઇને કઠે તે પ્રકારનો હોય છે, છતાંય જે વેધકતાથી એ કાવ્યમાં અર્થનું સંક્રમન કરે છે. તે વખાણવાલાયક છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂર્યોન્મુખ’ ઇ.સ.1999માં પ્રગટ થયો તે પૂર્વે તેમની કવિતાઓ જુદા જુદા સામયિકોમાં પ્રગટ થઇ રહી હતી. તેમની પ્રથમ કવિતા ‘કોને માટે આ આઝાદી’ ઇ.સ.1972માં મુંબઇથી પ્રકાશિત થતાં ‘પુનરુત્થાન’ નામનાં સામયિકમાં પ્રગટ થઇ હતી. ઇ.સ.1972થી ઇ.સ.1975 દરમિયાન એમણે ઘણી કવિતાઓ લખી, પરંતુ, ઇ.સ.1975 પછી તેમનું લેખનકાર્ય અટકી ગયું. તે ઇ.સ.1981માં અનામત વિરોધી તોફાનો વખતે પુન: શરુ થયું. તેમની કવિતાઓ જોતાં લાગે છે કે તેમની પ્રતિબધ્ધતા માનવીય ગૌરવ સાથે જોડાયેલી છે. કવિતામાં કલાનાં માપદંડો કરતાંય એમને કરોડો દલિત-પીડિત નરનારીની વ્યથાને વાચા મળે તેવા માપદંડો વધારે માફક આવ્યાં છે. સાહિત્ય પ્રત્યેની રુચિ કેળવાઇ ત્યારથી જ એમનો ઝોક કવિતા તરફ વિશેષ રહ્યો છે. નાનપણમાં પ્રેમાનંદ, નરસિંહ, મીરાં, કલાપી, મેઘાણી, ઉમાશંકર, સુંદરમ, મરીઝ, શ્યામ સાધુ જેવાં એમને ગમતાં ગુજરાતી કવિઓની કવિતાઓ વાંચવાનો વિશેષ શોખ રહ્યો, સાથે જ ઉર્દૂ કવિઓમાં ફિરાક ગોરખપુરી, ફેઝ અહમદ ફૈઝ, જીગર મુરાદાબાદી, ગાલીબ, શકીલ, સાહિર તો હિન્દીનાં નીરજ, ધૂમિલ, દુષ્યંતકુમાર તો પંજાબનાં અમૃતા પ્રિતમ જેવાં દિગ્ગજોનાં ભાવજગતને એમણે માણ્યું છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂર્યોન્મુખ’ વાંચીને લાભશંકર ઠાકરે રાજીપો વ્યક્ત કરતાં લખ્યું ‘તમારી સર્જકતા ગઝલ, નઝમ, અછાંદસ રુપોમાં પ્રગટ થાય છે. તમારા કાવ્યો વાંચ્યા. તમારી લયચેતના અને ભાવચેતના કવિતા છે. સ્થળકાળ સાપેક્ષ ઉર્મિવિચાર જેટલા ઓગળીને મનુષ્ય માત્રનાં ભાવને પ્રગટ કરતાં થાય તેટલી કવિતા વધારે કાવ્યત્વ ધારણ કરે છે.તમારામાં એવી શક્તિ જોવા મળે છે.’ લાભશંકરનાં રાજીપા સાથે કિસન સોસા સૂર પુરાવે છે. ‘શ્રી એ.કે.ડોડિયા સૂર્યોન્મુખ કવિ છે. કવિનું મુખ સૂર્ય તરફ હોવાને કારણે તેમનાં શબ્દોમાં આગ છે. ઉજાશ છે’ કિસન સોસાએ તો ‘સૂર્યોન્મુખ’ કાવ્યસંગ્ર્હ સંદર્ભે આ ઉદગારો કાઢ્યાં છે. પર6તુ, શ્રી ડોડિયાનાં ત્રણ કાવ્યસંગ્રહોની કાવ્યરચનાઓ જોતાં જણાય છે કે તેમનાં કાવ્યોમાં પ્રગટેલાં ઉજાશને કારણે ગુજરાતી દલિત કવિતામાં તેઓ મોખરાનાં કવિઓમાં સ્થાન નિશ્ચિત કરે છે. તેઓ સાહિત્ય જગતમાં પ્રવેશ્યા ત્યારથી તેમની શ્રધ્ધા ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિ રહી છે. જેને કારણે તો તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘મસીહા’માં ડો.બાબાસાહેબ આંબેડકરનાં જીવન-કવનને શબ્દદેહે વ્યક્ત કરે છે. ડો.આંબેડકરને દલિત સાહિત્યનાં ‘મસીહા’ ગણીને તમામે તમામ કાવ્યરચનાઓમા એમણે બાબાસાહેબને અમર કરી દીધાં છે. દલિત સાહિત્યમાં આક્રોશ, વિદ્રોહ, વ્યથા, પીડા, વેદના તો અનેક કવિઓમાં તારસ્વરે રજૂ થઇ, પણ આ જાતનું ભગીરથ કાર્ય તો શ્રી એ.કે.ડોડિયાએ ગુજરાતી દલિત સાહિત્યમાં પ્રથમવાર કર્યું છે.’ સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:5 અંક:9 સળંગ અંક:57, જુલાઇ:2011.-માંથી સાભાર) ==============================
Comments
Post a Comment