ગુજરાતી દલિત કવિશ્રી શિવજી રુખડાસાહેબ

શ્રી શિવજી રુખડા. જન્મ=તા.20 મે ઇ.સ.1944. જન્મસ્થળ=બગસરા (અમરેલી) વતન- બગસરા (અમરેલી); હાલનું સરનામું- અમરપરા, આંખની હોસ્પિટલની બાજુમાં, બગસરા.365440. અભ્યાસ-બી.એ. વ્યવસાય=નિવૃત્ત શોપ ઇંસ્પેકટર, નગરપાલિકા, બગસરા. (મો.નં.9426126678) પ્રકાશિત પુસ્તકો=ઇ.સ.1990માં ‘ફૂલનો પર્યાય’ (ગઝલસંગ્રહ) અને ‘એના ઘર ભણી (ગઝલસંગ્રહ) પારિતોષિક=(1) 1987માં જીવનની વ્યથા અને વેદના દલિત કાવ્યો દ્વારાં વ્યક્ત કરવા બદલ શ્રી ધનજી કાનજી ગાંધી પારિતોષિક અને (2) 1989માં ‘કાવ્યગોષ્ઠિ’ દ્વારાં સ્પર્ધામાં મહાકવિ પ્રેમાનંદ પારિતોષિક. વિશેષ= અમરેલી જિલ્લાનાં બગસરા ગામમાં વર્ષોથી વસતાં કવિજીવ કશીય આળપંપાળ વિના માત્રને માત્ર કાવ્યસર્જન કરતાં રહ્યાં છે. આવા તો ઘણાં કવિઓ છે કે જે ગુજરતનાં કોઇ એક ખૂણામાં બેસી રહીને સાહિત્ય સર્જન કરતાં હોય છે. એમણે તો માત્ર સાહિત્ય સાથે જ લેવાદેવા હોય છે. કોઇ એમના સાહિત્યને વખાણે કે ન વખાણે. એ તો માત્ર સાહિત્ય સાથે જ જોડાયેલાં હોય છે. કવિશ્રી શિવજી રુખડા આવા જ એક અલગારી કવિશ્રી છે. એમને ગુજરાતી સાહિત્ય જગત છવાઇ જવાના ક્યારેય અભરખા રાખ્યા નથી. એમના કાવ્યો થકી એ સતત સાહિત્ય રસિકોમાં ચર્ચાતા રહ્યાં છે. કવિશ્રી શિવજીભાઇ બગસરામાંથી ભાગ્યે જ બહાર નીકળ્યાં છે. છતાં એમની કવિતામાં એવી તાકાત છે કે એક દલિત કવિ તરીકે એમને પોખ્યા વિના ચાલે જ નહીં.શિવજીભાઇ દલિત-અદલિત બંન્ને પ્રકારની કવિતાઓ લખે છે.બંન્નેમાં તેઓ કૌવત દાખવી શક્યા છે. કવિતાનાં માપદંડોમાં રહીને વાસ્તવને સૂક્ષ્મ રીતે રજૂ કરવાની તેઓ કુનેહ દાખવે છે. માત્ર એમને કવિતાઓ જ લખી છે, એવુંય નથી, એ વાર્તાઓ અને અન્ય લેખો પણ લખવામાં સતત પ્રવૃત રહ્યાં છે. એમનું પ્રથમ કાવ્ય ‘કેર કર્યો છે કાળો’ ભજન રુએપે પ્રગટ થયેલું. જે ઇ.સ.1964માં ‘દિનબંધુ’માં પ્રગટ થયું. ત્યારબાદ જુદા જુદા સામયિકો જેવા કે ‘અજંપો’, ‘અભ્યુદય’, ‘હરિજનબંધુ’, ‘દલિતબંધુ’ ‘પ્રગતિ જ્યોત’, ‘તરસ’, ‘તમન્ના’, ‘જ્યોતિ’, ‘પરિષદ સમાચાર’, ‘આક્રોશ’, ‘કાળો સૂરજ’, ‘ક્રાંતિદીપ’, ‘સેવાદીપ’, ‘દિશા’, ‘નયામાર્ગ’, ‘સમાજમિત્ર’, ‘દલિતચેતના’ વગેરેમાં લગાતાર દલિત કવિતા, વાર્તાઓ અને લેખો પ્રગટ થતાં રહ્યાં છે. આ ઉપરાંત, ગુજરાતી સાહિત્યમાં અદલિત સામયિકો જેવા કે ‘કવિતા’, ‘કવિલોક’, ‘કુમાર’, ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’, ’ઉદ્દેશ’, ‘ફાર્બસ ત્રૈમાસિક’, ‘ગઝલવિશ્વ’, ‘ધબક’ વગેરેમાં પણ એમની કવિતાઓ પ્રગટ થતે એરહી છે, તે જોતાં તેઓ ગુજરાતી સાહિત્યમાં સર્વસ્વીકૃત એવા કવિશ્રી તરીકે પોંખાયા છે. અનેક વિવેચકો જેવા કે, રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા, નરોત્તમ પલાણ, પ્રવીણ દરજી, રમેશ પુરોહિત, ચિનુ મોદી, એસ.એસ.રાહી, હરીશ વટાવવાળા, મનોજ જોશી, મધુકાંત જોશી, ભી.ન.વણકર, નરસિંહ ઉજમબા વગેરી એમની રચનાઓને પ્રમાણી છે. એમની રચનાઓમાં વણકર, સાળ, પનો, તાણાવાણા, સૂતર, કાંતવું વગેરે વ્યાવસાયિક શબ્દો ડોકાય છે, તેનું કારણ આ કવિએ નાનપણમાં બાપદાદાનો ધંધો હાથવણાટ પર કામ કરેલું છે. આવા મહેનતકશ કવિ શ્રી શિવજી રુખડાની ઘણી કવિતાઓમાં બળૂકો રણકો ઉપસી આવેલો જોઇ શકાશે. હજીયે આ કવિ કવિતાઓ લખવામાં પ્રવૃત્ત છે. એટલે આ કવિનાં માનસમાં આકાર રહેલી અને બળૂકી રચનાઓ આપણને એ સંપડાવશે તેમાં કોઇ સંદેહ નથી.’ સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.3-4. (વર્ષ:7 અંક:2 સળંગ અંક:74, ડિસેમ્બર:2012.-માંથી સાભાર) ==========================

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન

લોકસાહિત્ય અને શિષ્ટ(અભિજાત)સાહિત્ય વચ્ચેની ભેદરેખા